વિપક્ષો એકલાં હાથે ચૂંટણી લડી શકે તેમ નથીઃ સ્મૃતિ ઈરાની

અમદાવાદઃ કેન્દ્રમાં ભાજપ સરકારના ચાર વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે આ અંગે અમદાવાદમાં ભાજપના કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું. સ્મૃતિ ઈરાનીએ ભાજપની સિદ્ધિઓ જણાવતાં કહ્યું કે જેવી રીતે તમામ વિપક્ષો એક થયાં તે જોતાં જ ભારતની જનતાને મેસેજ મળી જાય છે કે કોઈપણ પક્ષ એટલો સક્ષમ નથી કે પોતાના દમ પર લડે. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમત સાથેની સરકાર આવશે.

ઇરાનીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના અંતર્ગત 5 કરોડ 22 લાખ પરિવારોને લાભ મળ્યો.અન ઓર્ગેનાઈઝ સેક્ટરમાં કામદારોને અટલ પેન્શન યોજના અંતર્ગત સંરક્ષણ આપવાના પ્રયાસમાં અમે જોયું કે 1 કરોડ નાગરીક અનઓર્ગેનાઈઝ સેક્ટરના લેબર અટલ પેન્શન યોજના સાથે જોડ્યા જેથી અમે તેમનું ભવિષ્ય ઉજળું બનાવી શકીએ.

પેટ્રોલના વધી રહેલા ભાવો વિશે સ્મૃતિ ઈરાનીએ વાત કરતાં જણાવ્યું કે જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે પ્રતિવર્ષ 4 રૂપિયા સુધીનો ભાવ વધારો પેટ્રોલમાં થતો હતો પરંતુ અત્યારે કેન્દ્રમાં જ્યારે ભાજપની સરકાર છે ત્યારે અમે એને ઘટાડવામાં સક્ષમ રહ્યા છીએ. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય બંન્ને સરકારો સાથે મળીને પેટ્રોલના ભાવો પર નિયંત્રણ લાવવાની કોશિશ કરી રહી છે.