ભાવનગરઃ તળાજાના ઝાંઝમેર ગામે કોળી પરિવારની મહિલાએ પાંચ સંતાનો સાથે કુવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં માતા અને મોટી દીકરીનો બચાવ થયો છે જ્યારે ચાર સંતાનોના મૃત્યું થયા છે. આ મહિલાએ આર્થિંક સંકડામણ અને અંધશ્રદ્ધાની ઝપેટમાં આવીને આ પગલું ભર્યું છે.
મહિલાનો આ ઘટનામાં બચાવ થયો છે. ત્યારે સમગ્ર મામલે મહિલાને આત્મહત્યાનું કારણ પૂછતા મહિલાએ જણાવ્યું કે, હું આંખ બંધ કરૂ એટલે ભૂત દેખાતા, ભૂત કહે તે હું સાભળુ, ભૂતના માથા દેખાતા અને બધે ભડકા જોવા મળતા હતા. છેલ્લા બે વર્ષથી મારી સાથે આવું બની રહ્યું હતું. આથી મેં જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હતો. મારા મૃત્યુ પછી સંતાનોનું શું થશે તે વિચારથી સંતાનોને સાથે લઈ જઈને આપઘાત કરવાનો વિચાર કર્યો હતો.
છેલ્લા બે વર્ષથી આર્થિક સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. અનેક વખત બે ટંક ખાવાના પણ ફાંફા પડી જતા હતા. આ વાત હું સહન નહોતી કરી શકતી. મને થયું કે હું આમાંથી છૂટીને જિંદગી ટૂંકાવી લવ. મને વિચાર આવ્યો હું છૂટી જઈશ તો બાળકોનું શું થશે. એ માટે તેમને પણ સાથે લઈ જવાનો વિચાર કર્યો હતો.