રાજકોટમાં આરોગ્ય વિભાગ સક્રિય, મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થાનો કરાયો નાશ

રાજકોટ: હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે, જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે રાજકોટ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. આજે આરોગ્ય વિભાગની ટીમે શહેરમાં ફરસાણ તેમજ મીઠાઈનું ઉત્પાદન તેમજ વેચાણ કરતા એકમો પર ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં વિમલ નમકીન, ખોડિયાર ડેરી સહિતની કુલ 6 જેટલી જગ્યાઓ પર ચેકિંગ  દરમિયાન મોટા પ્રમાણમાં અખાદ્ય સામગ્રી મળી આવી હતી. આરોગ્ય વિભાગે અંદાજે મીઠાઈ સહિતનો કુલ 1655 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. અને તમામ વેપારીઓને નોટીસ ફટકારી હતી.રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી વકરી રહેલા રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. તાજેતરમાં જ શહેરની નામાંકિત હોટલો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે સ્થાનિક લોકો દ્વારા પણ એવી માગ ઉઠી છે કે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓને માત્ર નોટીસ જ નહી પરંતું કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.