રાજકોટની વધુ એક નમકીન બનાવતી કંપનીમાં વિકરાળ આગ

રાજકોટ: થોડા મહિનાઓ અગાઉ રાજકોટની જાણીતી ગોપાલ નમકીનની કંપનીમાં ભીષણ આગની ઘટના બાદ આજે સવારે અમદાવાદ હાઈવે ઉપર નાકરાવાડી ગામ પાસે આવેલી બીજી એક કંપનીમાં ભારે આગ લાગી છે. રાજકોટથી પાંચ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી રહી છે.

આજે સવારે 9.30 કલાક આસપાસ KBZ નામની નમકીન બનાવતી કંપનીમાં આગ લાગ્યાની જાણ થતા રાજકોટથી ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી છે. નજીકમાં વાંકાનેરથી પણ ફાયર અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ કંપનીમાં 50 જેટલા માણસો કામ કરતા હતા. હાલ તેઓ સલામત હોવાનું કહેવાય છે. તંત્ર માલિકો પાસેથી વિગતો મેળવી રહ્યું છે. કંપની મોટાભાગની બળીને ખાખ થઈ ગઈ છે.

રાજકોટમાં ગેમ ઝોનની દુર્ઘટના બાદ પણ આગની ઘટનાઓ અટકતી નથી. તંત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદે તેવી રીતે કામગીરી કરી રહી હોવાનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે લાગેલી આગમાં કોઈ જાન હાની થઈ નથી જયારે નુકશાનનો આંકડો પણ હજુ બહાર આવ્યો નથી.

(દેવેન્દ્ર જાની-રાજકોટ)