અમદાવાદઃ દેશની અગ્રણી કંપની બેન્ચમાર્કે હોટ વોટર સોલ્યુશનમાં 20 વર્ષ પૂરાં કર્યાં અને આ 20 વર્ષમાં કંપનીએ જેવી નોખી સિદ્ધિઓ મેળવી હતી એવી જ અનોખી રીતે 20 વર્ષની ઉજવણી થઈ છે. ગેસ, ઈલેક્ટ્રિક, સોલાર અને હીટ પમ્પ એમ 360 ડિગ્રી હોટ વોટર સોલ્યુશન આપતી આ કંપની છે. ગેસ, સોલાર, હીટ પમ્પ અને સોલારમાંથી જરૂરત પ્રમાણે ડિઝાઈન કરીને હાઈબ્રિડ હોટ વોટર સિસ્ટમ પણ પૂરી પાડતી આ કંપની દેશમાં હોટવોટર સોલ્યુશન ક્ષેત્રની અગ્રણી કંપની તરીકે પ્રસિદ્ધ થઈ છે. એ જ રીતે કંપની સાથે જોડાયેલા લોકો-ગ્રાહકો-ડીલર્સ-મેકેનિક્સ સૌ માટે એક વિશાળ પરિવાર બની છે. આ બેન્ચમાર્ક પરિવારે 20 વર્ષની ઉજવણી માટે અમદાવાદના સનશાઈન બેન્ક્વેટમાં છ અને સાત જાન્યુઆરીએ વિશિષ્ટ ગેટ ટુગેધર – પારિવારિક સ્નેહમિલનનું આયોજન કર્યું હતું, જેમાં કંપની સાથે જોડાયેલા તમામ સ્ટેકહોલ્ડર્સે એક છત નીચે ભેગા થઈને બે દાયકાના સંઘર્ષ અને સિદ્ધિઓની ઉજવણી કરી હતી. બેન્ચમાર્કના સ્થાપકો નિશીથભાઈ જોષી અને હિરેનભાઈ સવાઈએ વરસોથી કંપનીના ગ્રાહકો સાથે વસ્તુનો નહીં લાગણીનો સંબંધ જાળવવાની પરંપરા રાખી છે. ગ્રાહકને અને કર્મચારીઓને બેન્કમાર્ચ પરિવારના હિસ્સા હોવાની અનુભૂતિ આપી છે. એ જ પરંપરાને અનુરૂપ હોય એવી ઉજવણીનું આયોજન- સેલિબ્રેટિંગ ટ્વેન્ટી યર્સ ઓફ એક્સિલન્સ એક્ઝિબિશનમાં કર્યું.
આ એક્ઝિબિશનમાં બેન્ચમાર્કે કંપનીના તમામ પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન કમ લાઈવ ડેમોન્સ્ટ્રેશન લોકો સામે રજૂ કર્યું. ગ્રાહકોને અને હોટવોટર સોલ્યુશન ક્ષેત્રના લોકોને જ નહીં, એન્જિનિયરિંગ-સાયન્સના વિદ્યાર્થીઓને પણ આ એક્ઝિબિશન ઉપયોગી બન્યું. આ એક્ઝિબિશનમાં કંપનીના નવા પ્રોજેક્ટ્સને પહેલીવાર રજૂ કરવામાં આવ્યા. બેન્ચમાર્કે સુરતની એસ.વી.એન.આઈ.ટી. કોલેજ સાથે મળી સોલાર પીવી-ટી વિથ હીટપમ્પની વિશિષ્ટ સિસ્ટમ વિકસાવી છે, જે ઈલેક્ટ્રિસિટી જનરેશન અને ગરમ પાણી આપવાનું કામ એકસાથે કરે છે. આ વિશિષ્ટ સિસ્ટમ એક્ઝિબિશન દરમિયાન લોન્ચ કરવામાં આવી.
સુરતની એસ.વી.એન.આઈ.ટી. કોલેજના પ્રોફેસર ડો. પૂર્ણાનંદ ભાલે, એસોસિએટ પ્રોફેસર ડો. મનિષ રાઠોડ, અમેરિકાની બ્રેડફોર્ડ વ્હાઈટ કોર્પોરેશનના મેથ્યુ શેરિયન તથા તાઈવાનના રેસ ગ્રુપ કો. લિમિટેડના જ્હોનસન શેન્ગ વગેરેએ અતિથિ વિશેષ તરીકે આ સમગ્ર આયોજનની શોભા વધારી હતી.
બેન્ચમાર્ક કંપની પાસે રેસિડેન્શિયલ અને કમર્શિયલ બન્ને સેગમેન્ટમાં કુલ 100થી વધુ પ્રોડક્ટ્સની રેન્જ છે, જે તમામ એક્ઝિબિશનમાં જાહેર મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક્ઝિબિશનમાં કંપનીની પ્રોડ્ક્ટ્સ સાથેસાથે ગ્રાહકોના અનુભવ અને પ્રતિભાવોને પણ પ્રદર્શનમાં રજૂ કરાયા. વીસ વર્ષમાં કંપનીએ જે જુદી-જુદી પ્રોડક્ટ્સ બનાવી અને વેચી એને પણ તબક્કાવાર રીતે પ્રસ્તુત કરવામાં આવી. ખાસ તો બંધ થઈ ગયેલા અને જૂનાં મોડલ્સ પણ કંપની આ એક્ઝિબિશન માટે શોધીને લઈ આવી.
આ એક્ઝિબિશનમાં કંપની સાથે જોડાયેલા સ્ટેકહોલ્ડર્સ ઉપરાંત લોકોએ પણ ઘણો લાભ લીધો હતો. સેંકડો અમદાવાદવાસીઓએ આ એક્ઝિબિશનમાં વિવિધ પ્રોડક્ટ્સ નિહાળી હતી.
બેન્ચમાર્ક કંપનીની 20 વર્ષની આ વિકાસયાત્રા પણ બેન્ચમાર્ક રહી છે. હીટિંગ સિસ્ટમ માટે સતત નવાં મોડેલ્સ લાવવા, નવીનવી ટેક્નોલોજીને સમાવી લેવી, ઈનોવેશન્સ કરતા રહેવું અને નવીનતા-પ્રયોગશીલતાને હંમેશાં પ્રાધાન્ય આપવું. આ છે બેન્ચમાર્કની સફળતાનો ગુરુમંત્ર. સાતત્યતાપૂર્ણ નવીનતા. ટીમવર્ક, ટ્રસ્ટ, ટેક્નોલોજી. આ ત્રણ શબ્દોમાં બેન્ચમાર્કની સફળતાનો સાર સમાઈ જાય છે. આજે તો કંપની એડવાન્સ્ડ ટેકનોલોજી માટે ઈટાલીની એટલાસ ફિલ્ટરી જેવી પ્રતિષ્ઠિ કંપની સાથે મળીને કામ કરી રહી છે. બેન્ચમાર્કે હંમેશાં વર્ક એથિક્સને સૌથી વધારે મહત્વ આપ્યું છે. આ કંપનીએ જે ઉચ્ચ કક્ષાની ગુણવત્તા-વ્યાવસાયિક્તા પ્રસ્થાપિત કરી છે, એટલી જ ઉમદા સામાજિક નિસ્બત પણ દર્શાવી છે અને જરૂર હોય ત્યાં સમાજસેવાનાં પણ અનેક કાર્યો કર્યાં છે.બેન્ચમાર્કની 20 વર્ષની આ સફળ યાત્રામાં અનેક સાથીઓ શરૂથી સાથે રહ્યા છે અને દર તબક્કામાં નવા સાથીઓ જોડાતા ગયા છે. એ તમામ સાથીઓને-તમામ સ્ટેકહોલ્ડર્સને એક સાથે-એક સ્થળે બોલાવીને ઉજવણી કરવા જ એમણે આ સ્નેહમિલન યોજ્યું હતું. કંપનીના સ્થાપકો, નિશિથભાઈ અને હિરેનભાઈનું એટલું જ કહેવું છે કે આ ઉજવણી, આ અવસર, એ તો ગ્રાહકોને અને અમારી કંપનીના તમામ સ્ટેકહોલ્ડર્સને અમારા તરફથી એક પ્રકારે આભાર વ્યક્ત કરવાનો પ્રયાસ હતો.
આ પ્રસંગે વેપાર-ઉદ્યોગ-સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ સાથે, બકેરી ગ્રુપના સ્થાપક અનિલ બકેરી, બકેરી ગ્રુપના એમ.ડી. પવન બકેરી, પ્રશાંત ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન પ્રકાશ શાહ તથા શિલ્પ ગ્રેવ્યુઅર્સના એમ.ડી. અંબર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.