અમદાવાદ: તાજેતરમાં જ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ દરેક સંપ્રદાયના લોકોએ પોતપોતાની આગવી શૈલીમાં ઉજવ્યો હતો. વ્યક્તિગત રીતે કોઈ માણસની પ્રેરણાથી સાચો માર્ગ મળ્યો હોય એવા ગુરુજનોને યાદ કરી લોકોએ ઋણ અદા કર્યું. ગુરુજનો માટે અનેક કાર્યક્રમોના આયોજનો પણ થયા.
અમદાવાદનાં એક શિષ્યા ભાવિની મિસ્ત્રીએ પોતાનાં ગુરુજનને એક અનોખી ભેટ આપીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી. ભાવિની મિસ્ત્રીએ પંચોતેર ફૂટ લાંબી અને દોઢ ફૂટ પહોળી હસ્તલિખિત શિક્ષાપત્રી એસ.જી.વી.પી. ગુરુકુળના માધવપ્રિયદાસજી, સંતો અને જયદેવ નાગ્રેચા સાહેબને અર્પણ કરી હતી.
પોતે કેલિગ્રાફીનાં નિષ્ણાત હોવાના કારણે એમણે સ્વામિનારાયણ સંપ્રદાયની અમુલ્ય એવી શિક્ષાપત્રીની ભેટ ગુરુજનો અને ગુરુકુળને આપવાનું નક્કી કર્યું.
ભાવિની મિસ્ત્રી ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘આપણો હિંદુ ધર્મ જીવન જીવવાની શૈલી, પધ્ધતિ શીખવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયથી તૈયાર થયેલા શિક્ષાપત્રી જેવા સાહિત્ય આપણાં જીવનમાં ડગલે ને પગલે ઉપયોગી થાય છે. એમાંય ગુરુજનો અને સંતોના પોતાના રચનાત્મક કાર્યો, વિચારો આપણને વક્તવ્યો દ્વારા એક નવી ઊર્જા આપે છે. આ બધી બાબતોમાંથી પ્રેરણા લઈને કેલિગ્રાફીથી તૈયાર કરેલી મારી કળા મેં એસ.જી.વી.પી. ગુરુકુળને અર્પણ કરી છે.’
આ અનોખી શિક્ષાપત્રી વિશે ભાવિનીબહેન કહે છે, ‘સતત ત્રણ મહિના અને દરરોજની પાંચ કલાકની કૃતિ ભક્તિથી આ કાર્ય સંપન્ન થયું. આ શિક્ષાપત્રીમાં ભાવ ભક્તિનો તો છે જ, આ સાથે લોકો વાંચી શકે એવું લેખન પણ કર્યુ છે. માવજત સાથે પવિત્રતાનો ખાસ પ્રયાસ કર્યો છે. તલના તેલની દીવની મેશમાંથી શાહી તૈયાર કરી, બરુંના ઝાડની ડાળીમાંથી તૈયાર કરેલી કલમથી લેખન કર્યું. સાગની પેટી શિક્ષાપત્રીની સાચવણી માટે તૈયાર કરવામાં આવી છે. વર્ષોથી કેલિગ્રાફી, ગ્રાફોલોજી, સુંદર અક્ષર લેખનની તાલીમ આપવાનું કામ કરું છું. અનેક શૈક્ષણિક સંસ્થાઓ, સંપ્રદાયો, ગુરુકુળનાં બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. એસ.જી.વી.પી. સંસ્થા અને સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી મને ખૂબ અસર કરી ગઈ. એના કારણે કેલિગ્રાફીની મારી કળા ગુરુકુળ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને અર્પણ કરી.
(પ્રજ્ઞેશ વ્યાસ)