રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદી સારી બેટિંગ જોવા મળી રહી છે, અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. પાણી સારી આવક થતા ડેમનું રુલ રેવલ જાળવવા માટે 9 દરવાજા 0.80 મીટર સુધી ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા જિલ્લાના અન્ય બે ડેમ પણ ઓવર ફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ચોપડવાવ ગામ પાસે આવેલો ચોપડવાવ ડેમ અને નાના કાકડીઆંબા ડેમ ઓવર ફ્લો થયો છે. આ ડેમ ઓવર ફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત લોકોને નદી કિનારે અવર જવર નહીં કરવા સૂચના અપાઇ છે. બીજી બાજુ ડેમથી સાગબારા તાલુકાના કોડબા, ચોપડવાવ, ચિત્રાકેવડી, સીમઆમલી, ભવરીસવ૨, પાનખલા, કેલ, સાગબારા, કનખાડી, મોરાવી, પાંચપીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા, સેલંબા, નવાગામ, ખોચરપાડા, નરવાડી અને ગોડાદેવી સહિત કુલ 19 ગામને સિંચાઈના પાણીનો લાભ મળશે.
રાજ્યમાં નાના-મોટા કુલ 206 જળાશયો છે. આ ચોમાસામાં અત્યાર સુધીમાં નવા પાણીની આવક થતા તમામ જળાશયમાં 64 ટકા જેટલું પાણી છે. જયારે 52 ડેમ પાણીથી 100 ટકા ભરાઈ ગયા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. મહેસાણા જિલ્લા સહિત તાલુકામાં મેઘો મહેરબાન થયો છે. તેવામાં રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક થઇ છે. રાજ્યમાં નાના-મોટા કુલ 206 જળાશયોમાં 64 ટકા જળ સંગ્રહ થયો છે.ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ થયો છે. આ સાથે રાજ્યના 66 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે.