69મો હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 2024 વિથ ગુજરાત ટૂરિઝમ

ગાંધીનગરઃ ફિલ્મફેરે 69મો હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ- 2024, ગુજરાત ટૂરિઝમ સાથે ગિફ્ટ સિટી- ગાંધીનગરમાં ૨૮ જાન્યુઆરીએ શાનદાર કાર્યક્રમનું આયોજન કરવાનું એલાન કર્યું છે. કરણ જૌહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલની ટીમ આ કાર્યક્રમને હોસ્ટ કરશે અને એ રાત્રે રણબીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન અને કાર્તિક આર્યન પર્ફોર્મન્સ આપશે.

આ એવોર્ડ્સ સમારંભની શરૂઆત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્સહિબિશન સેન્ટરમાં એક દિવસ પહેલા, અર્થાત 27 જાન્યુઆરીએ થશે. આ દિવસે 69મી હ્યુન્ડાઇ ફિલ્મફેર એવોર્ડ્સ 2024 વિથ ગુજરાત ટૂરિઝમના કર્ટેન રેઝર સમારંભ થશે. આ દિવસે ટેક્નિકલ એવોર્ડ જીતનારા કલાકારોને ફિલ્મફેર ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે. આ સમારંભને કરિશ્મા તન્ના અને અપારશક્તિ ખુરાના હોસ્ટ કરશે. આ સાંજેના ફેશન શો પણ છે, જેમણે શાંતનુ અને નિખિલનું સસ્ટેનેબલ કલેક્શન જોવાનો અવસર મળશે, અને તે પછી પાર્થિવ ગોહિલનો સંગીત સંધ્યા શ્રોતાઓને ભાવ વિભોર કરશે.

આ મહત્વના સિનેમેટિક ફેસ્ટિવલ માટે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ ભવ્ય કાર્યક્રમ આપણા પ્રતિભાશાળી કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મઉદ્યોગ સાથે જોડાવા, વિચારો, ટેક્નોલોજી અને ટ્રેન્ડનું આદાન-પ્રદાન કરવા તેમ જ આ બાબતોને પ્રોત્સાહન આપવા માટે એક વિશિષ્ટ પ્લૅટફૉર્મ પૂરું પાડશે. અમે ગુજરાતની કુદરતી સુંદરતા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, મજબૂત માળખાકીય સુવિધાઓની સાથે અમારા સક્રિય શાસન અને સિનેમેટિક ટૂરિઝમ નીતિ તેમ જ ગુજરાત ટૂરિઝમ પોલિસી જેવી બહુઉપયોગી નીતિઓનું પ્રદર્શન કરવા માટે પણ આતુર છીએ. આ નીતિઓ ફિલ્મ નિર્માતાઓ માટે અસરકારક અને કાર્યક્ષમ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાના લક્ષ્ય સાથે બનાવવામાં આવી છે. અમારો ઉદ્દેશ ગુજરાતને ભવિષ્યમાં નિર્માણ પામનારી ફિલ્મો અને તેના થકી થનારાં રોકાણોને આકર્ષિત કરનારું સર્વશ્રેષ્ઠ રાજ્ય બનાવવાનો છે.

પ્રવાસનપ્રધાન મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ફિલ્મફેર એવોર્ડ્સની 69મી આવૃત્તિનું આયોજન કરવા માટે ગુજરાતને ગર્વ છે, આ કાર્યક્રમ સર્જનાત્મકતાને પોષવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગુજરાત સિનેમેટિક પ્રવાસન માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. ગુજરાતે વિવિધ પ્રકારનાં લોકેશન ઓફર કર્યાં છે, તે વૈવિધ્યસભર અને મનમોહક સેટિંગ્સ શોધતા ફિલ્મ નિર્માતાઓ માટે એક મુખ્ય હબ બનવા માટે તૈયાર છે.

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના COO તરુણ ગર્ગે કહ્યું હતું કે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાને સતત બીજા વર્ષે પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સના ટાઈટલ પાર્ટનર બનવાનો ગર્વ છે.  અમે ગ્લેમર, મનોરંજન અને ઘણી બધી ઉજવણીઓથી ભરેલી રાતના સાક્ષી બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.