પાંચ વર્ષની યુવિકાએ ડાયાબિટીસ સાથે બ્લેક ફંગસને શરીરમાંથી ભગાડ્યો

અમદાવાદ: એનું નામ યુવિકા, ઉંમર ફક્ત પાંચ વર્ષ, આટલી નાની વયમાં તેનું ડાયાબિટીસ અંકુશ બહાર રહેતું. પિતા ઉમેશસિંહ તો સવારથી કામે જાય. યુવિકા તો હજુ ઘરનું આંગણું ઓળંગવા પા પા પગલી ભરી રહી હતી ત્યાં ડાયાબિટીસ જેવા રોગનું નામ સાંભળવાનું તો ઠીક પણ બોલતાય ના આવડે.

કચ્છના મોંઘાં અને પચરંગી વસ્તીવાળા શહેર ગણાતા ગાંધીધામની યુવિકાને દોઢેક મહિના પહેલા અસહ્ય કફ-ખાંસી થઇ હતી. સ્થાનિક સારવારથી ફાયદો ન થતાં વધુ સારવાર માટે એને ભુજની અદાણી ગ્રુપ સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્વાભાવિક રીતે જ, તેની સારવાર અગાઉ તેનાં બ્લડ અને શુગરના કરાયેલા ટેસ્ટમાં તેનું ડાયાબિટીસનું પ્રમાણ ઉંચું આવ્યું, જે જોઇને ડોક્ટરોને પણ આશ્ચર્ય થયું હતું. યુવિકાનાં એક્સ-રે રીપોર્ટમાં ફેફસામાં ફંગસ થયાનું બહાર આવ્યું હતું.

કોરોનાકાળના ઉતરાર્ધમાં મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ના નવા વેરીઅન્ટે ચિંતાનું મોજું ફેલાવેલું છે. યુવિકાને તો સાથે ડાયાબિટીસ પણ હતો. હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો.રેખાબેન થડાનીએ યુવિકાની સારવાર કરતા અગાઉ તેના ડાયાબિટીસને કંટ્રોલ કરવા મથામણ કરી. વારંવાર ચડ-ઉતર થતું શુગર લેવલ બ્લેક ફંગસની સારવારને ઝડપથી અસરકારક થતાં અવરોધતું હતું.

આ રોગ દર્દીના કાન, નાક, ગળા અને ફેફસાંમાં અસર કરે છે. ઘણા કિસ્સામાં મ્યુકરમાઇકોસિસનો રોગ જીવલેણ સાબિત થયો છે અને આ રોગથી મૃત્યુની ટકાવારીનું પ્રમાણ ૩૦ ટકા જેટલું રહ્યું છે. આ માહિતી આપતા અદાણી જી.કે. જનરલ હોસ્પિટલના ઇ.એન.ટી. સર્જન ડો.નિસર્ગ દેસાઇએ જણાવ્યું હતું કે અમારા સહુ તબીબો માટે આ બાળકીને બચાવી લેવાનો એક પડકાર હતો. તમામ તબીબો યુવિકાને પોતાની લાડલી ગણી તેનું સતત મોનિટરિંગ કરતા રહેતા. હોસ્પિટલના મેનેજમેન્ટે પણ યુવિકાની તબિયતની સતત પૂછપરછ કરતા રહીને ડોકટર્સને ઉત્સાહિત કર્યા હતા.

અદાણી જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રીન્ટેન્ડન્ટ ડો. નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે ગુજરાતમાં બાળકોમાં ભાગ્યે જ જોવા મળતા આ રોગમાં દર્દી માટે અલાયદો ખાસ વોર્ડ ઉભો કરીને સતત ૪૨ દિવસ સુધી ફંગસ માટે કારગત સાબિત થયેલા એમ્ફોટેરિસીન જેવા મોંઘા ઇન્જેકશન મારફત યુવિકાને અમે બ્લેક ફંગસમાંથી હેમખેમ બહાર લાવી શક્યા. તેમાં અમારી દવા અને હોસ્પિટલના નાના મોટા સ્ટાફ અને યુવિકાનાં પરિવારની પ્રાર્થના-દુઆ કામ કરી ગઇ. પિડીઆટ્રીક નિષ્ણાત ડો.કરણ પટેલ, ડો.અજિત ખિલનાની, ડો. રોનક બોડાત, ડો.રશ્મિ સોરઠિયા પ્રત્યે આદર અને ઋણભાવ વ્યક્ત કરતા યુવિકાનાં પિતા ઉમેશસિંહ સૈનીએ કહ્યુંકે ’’મારી એકની એક દીકરીને ફુગનો રોગ થયાનું ડોક્ટરે કહ્યું ત્યારે મેં આનો સારવારનો ખર્ચ કેટલો થાય તેની જાણકારી માટે અમારા કાયમી ડોક્ટરને પૂછતાં એમણે કહેલું કે આ રોગની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવો તો રુ.૧૦ લાખ તો સહેજે થશે કારણ કે આ રોગના એમ્ફોટેરિસીન ઇન્જેકશન અને પોસોકોનેઝોલ દવા બહુ ખર્ચાળ છે. આ રકમ સાંભળી અમારા રોજનું કમાઇને રોજ ખાતા પરિવારની ઉંઘ હરામ થઇ ગઇ હતી. પરંતુ ભુજની અદાણી હોસ્પિટલમાં આ રોગની સારવાર મળી જશે તેવી ખબર મળતાં અમને યુવિકા બચી જશે તેવી આશા બંધાણી હતી. ૪૨ દિવસે યુવિકા સાજી સારી ઘરે આવી છે પરંતુ ડોક્ટરે કીધું છે કે આ કાળી ફુગ આખા શરીરમાંથી નાબૂદ ન થાય અને ફરી ઉથલો ન મારે તે માટે વખતોવખત તપાસ માટે આવતાં રહેવું પડશે. મા આશાપુરા સહુનું સારું કરે.’’