પાંડેસરામાં કિશોરી પર દુષ્કર્મ, હત્યા-કેસમાં આરોપીને ફાંસીની સજા

સુરત: પાંડેસરા વિસ્તારમાં દસ વર્ષની બાળકીને વડા-પાંઉ ખવડાવવાની લાલચ આપીને તેનો બળાત્કાર ગુજાર્યા પછી તે કિશોરી નિર્દયી હત્યા કરનારા દિનેશ બૈસાણેને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવી તેને ફાંસીની સજાની માગ કરી હતી. 10 ડિસેમ્બરે એડિશનલ સેશન્સ જજ એ.એન.અંજારિયાએ આરોપી દિનેશને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.

શહેરમાં દસ જ દિવસમાં બાળકી પર બળાત્કાર અને હત્યા-કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવાઈ હોય એવી આ બીજી ઘટના છે.  આ પહેલાં માત્ર અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.

સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે આરોપીના ફોનમાંથી પણ અશ્લીલ વિડિયો મળી આવ્યા હતા. બાળકીના શરીર પરથી 50 જેટલા ઇજાનાં નિશાન પણ મળી આવ્યાં હતાં, જેની પણ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. આરોપી દિનેશ બૈસાણે 27 વર્ષની વયનો છે. તેણે 7 ડિસેમ્બર, 2020એ બાળકી પર બળાત્કાર કરીને તેના માથામાં ઈંટ મારી તેની હત્યા કરી હતી.આ કેસમાં કોર્ટે 10 દિવસમાં જ 32 સાક્ષીઓને તપાસીને ઝડપથી ટ્રાયલ પૂરી કરી હતી. આ કેસમાં કોર્ટમાં પોલીસ દ્વારા 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પોલીસે આ કાર્યવાહી ગુનો થવાના 15 દિવસમાં પૂર્ણ કરી હતી. આ સાથે એક સીસીટીવી વિડિયો પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં દિનેશ બાળકીને લઈ જતો દેખાતો હતો.