48 બાળ અને 196 કિશોર મજૂરોને મજૂરીકામમાંથી મુક્ત કરાવાયાં

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વિેશેષ ઉપસ્થિતિમાં ૧૩ જૂન-૨૦૧૯ થી ૧૨ જુલાઇ-૨૦૧૯ સુધી ૧૪ વર્ષથી નીચેની વયના બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવાના હેતુથી એક માસ માટે ‘સહિયારી કૂચ-૪’ની રાજ્યવ્યાપી ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે આ સમય દરમિયાન કુલ- ૩૦૬૩ સંસ્થાઓની મુલાકાત કરીને ૧૪ વર્ષથી નીચેની વયના કુલ- ૪૮ બાળશ્રમયોગીઓ અને ૧૪ થી ૧૮ વર્ષ સુધીની વય ધરાવતા કુલ – ૫  કિશોરને જોખમી વ્યવસાયમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે આ બાળશ્રમિકોને  કામે રાખનાર માલિકો  સામે કુલ – ૩૯  એફ.આઇ.આર. નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત બિનજોખમી વ્યવસાયમાંથી ૧૪ થી ૧૮ વર્ષ સુધીની વય ધરાવતા કુલ-૧૯૬ કિશોર શ્રમયોગીઓ તપાસ દરમિયાન કામ કરતા મળી આવતા તેઓને કામે રાખતી સંસ્થાઓ સામે બાળ અને કિશોર શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ હેઠળ નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

વર્ષ ૨૦૧૬માં બાળ અને કિશોર શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમમાં થયેલ સુધારાથી  ૧૪ વર્ષથી નીચેના બાળકોને કોઇપણ પ્રકારના કામે રાખવા પર અને ૧૪ થી ૧૮ વર્ષ સુધીની વય ધરાવતા કિશોર જોખમી વ્યવસાય કે પ્રક્રિયામાં કામે રાખવા પર પ્રતિબંધ છે.  જેમાં કામે રાખનાર માલિકની તત્કાલ ધરપકડ કરી ગુન્હા બદલ રુા.૨૦,૦૦૦/- થી લઇને ૫૦,૦૦૦/- સુધીનો દંડ અથવા ૬ માસથી ૨ વર્ષ સુધીની જેલ અથવા બંને સજા થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રેરણાથી વર્ષ-૨૦૧૬થી રાજ્યમાં બાળશ્રમ નાબૂદી માટે ‘સહિયારી કૂચ’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ યુનિસેફના સહયોગથી તારીખ:૧૨-જૂન ‘વિશ્વ બાળશ્રમયોગી વિરોધી દિવસ’નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો.