વિદેશ અભ્યાસ માટે 320 વિદ્યાર્થીઓને 44.72 કરોડની લોન અપાઇ

ગાંધીનગરઃ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા રાજ્યના બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત  ૧૮,૩૩૪ જેટલા લાભાર્થી-વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ થકી રૂા. ૭૨ કરોડની સહાય આપવામાં આવી છે. આ અવિવિધ યોજનાઓમાં ભોજન, ટ્યુશન, કોચિંગ અને સ્‍પર્ધાત્‍મક સહાય, વિદેશ લોન ઉપરાંત તાલીમ સહાયનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. કોઇ પણ પ્રકારની યોજનાનો લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૪.૫૦ લાખ તેમજ લોન માટે રૂા. ૬ લાખ નક્કી કરવામાં આવી છે. વિવિધ યોજનાઓમાં વ્‍યાજનો દર મહત્તમ ૫ ટકા રાખવામાં આવ્‍યો છે.

વિદેશ અભ્‍યાસ કરવા ઇચ્‍છુક વિદ્યાર્થીઓમાં વિદેશ અભ્‍યાસની યોજના અતિ લોકપ્રિય નિવડી છે. આ યોજનામાં લોનના હપ્‍તાની ચૂકવણી વિદેશમાં અભ્યાસ કર્યા પછી એક વર્ષ નોકરી કર્યા બાદ ચૂકવવાની શરૂ થાય છે. જેમાં ૩૨૦ જેટલા લાભાર્થીઓને રૂા. ૪૪.૭૨ કરોડની સહાય કરવામાં આવી છે.

શૈક્ષણિક અભ્‍યાસ યોજનાના ૧૦૫ જેટલા લાભાર્થીઓને રૂા. ૩.૫ કરોડની લોન સહાય તથા સ્‍વરોજગારલક્ષી લોન યોજના હેઠળ ૪૮ જેટલા લાભાર્થીઓને રૂા. ૨.૧૦ કરોડની લોન સહાય આપવામાં આવી છે. વધુમાં ભોજન સહાયની ૧૪,૬૫૧, ટ્યુશનની ૧,૪૩૦, કોચિંગ સહાયની ૫૦૪ અને સ્‍પર્ધાત્‍મક તાલીમ સહાયની ૧,૨૭૬ અરજીઓ મંજૂર કરી બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા લાભાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને સહાય કરવામાં આવી છે.