સુરતઃ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થીઓએ તેમની પત્નીઓને મકાનોના દસ્તાવેજો નોંધવા અને હોમ લોન સબસિડી મેળવવામાં મદદ કરવા બદલ ગુજરાત ભાજપના પ્રમુખ અને લોકસભાના સંસદસભ્ય સીઆર પાટિલનો આભાર માન્યો છે. કેન્દ્રની મુખ્ય મિશન પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જૂન, 2015માં લોન્ચ કરવામાં આવી હતી.
આ યોજનાનો હેતુ વર્ષ 2022 સુધી યોગ્યતા ધરાવતા શહેરી લોકોને વર્ષ 2022 સુધીમાં પાકું મકાન આપવાનું લક્ષ્ય છે. વર્ષ 2022માં રાષ્ટ્ર સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થશે. આ યોજના હેઠળ લાભાર્થીને વધુમાં વધુ 20 વર્ષના સમયગાળામાં વાર્ષિક ત્રણથી 6.50 ટકા સુધી રૂ. છ લાખથી રૂ. 12 લાખ સુધીની હોમ લોન ઘરની ચુકવણી માટે મેળવી શકે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓમાંના એક દિનેશ કરજણિયાએ કહ્યું હતું કે તેને બેન્ક પાસેથી માહિતી મળી હતી કે તેણે પત્ની નામે લીધેલા મકાન પર હોમ લોનની સબસિડી આપવામાં આવશે. જેથી તેણે પાટિલ સાહેબનો સંપર્ક કર્યો હતો અને સબસિડીનો લાભ લેવા માટે રૂ. 100ના સ્ટેમ્પ પેપર પર મદદ કરવા વિનંતી કરી હતી. અન્ય લાભાર્થી પૂજા મિશ્રાએ જણાવ્યું હતું કે સબસિડી મેળવ્યા પછી તેણે માસિક હપતાની રકમ રૂ. 7000ને બદલે રૂ. 5000-6000 ચૂકવવા પડે છે. તેણે કહ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષથી અમે લોનના હપતા સ્વરૂપે રૂ. 7000 ચૂકવતા હતા પણ હવે સબસિડી મળતાં અમારે પ્રતિ મહિને રૂ. 5000-6000 ચૂકવવા પડશે. અમે આ માટે વડા પ્રધાનનો ખૂબ આભાર માનીએ છીએ.
ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટિલે કહ્યું હતું કે સુરતના 4000 લોકોએ સબસિડી પેટે રૂ. 100 કરોડનો લાભ મળ્યો છે. તેમણે કહ્યું હતું કે રૂ. 2,67,000ની સબસિડી મેળવવા માટે પત્નીના નામે મકાન નોંધાયેલું હોવું જોઈએ.
