ઇગ્નુનો 37મો દીક્ષાંત સમારોહઃ 2047 વિદ્યાર્થીઓને ડિગ્રી અપાઈ

અમદાવાદઃ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ)- મેદાનગઢીએ 37મો દીક્ષાંત સમારોહ દિલ્હીના હેડ કર્વાર્ટર અને દેશનાં 39 પ્રાદેશિક કેન્દ્રો પર આયોજિત કરવામાં આવ્યો હતો. અમદાવાદની પ્રાદેશિક ઓફિસના સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નીરજા ગુપ્તા મુખ્ય ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહમાં મુખ્ય અતિથિએ અવિનાશ શર્માને MLIS, પ્રોગ્રામમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપ્યાં હતાં.

તેમણે શિક્ષણ અને કૌશલ વિકાસની સંભાવનાઓ પર પ્રકાશ ફેંકતાં કહ્યું હતું કે ઇગ્નુ રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટું નામ ઊભરીને આવ્યું છે. ઓપન યુનિવર્સિટી એક લોકોને એક મોટો સપોર્ટ છે, જે લોકો પોતાની ફરજોનું પાલન કરતાં સર્ટિફિકેટ તથા કૌશલનો વિકાસ કરવા ઇચ્છે છે. આજે વિશ્વ એક ગામડાં સીમિત થઈને રહ્યું છે (વન ગ્લોબ, વન વિલેજ), ત્યારે આ પરિપ્રેક્ષ્યમાં ડિજિટલ યુગમાં શિક્ષણના મહત્ત્વ પર તેમના દ્વારા વિસ્તૃત પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. એ સાથે આ કાર્યક્રમના પ્રારંભમાં આસિસ્ટન્ટ રિજિયોનલ ડિરેક્ટર ડો. દેવ નારાયણ પાઠકે વૈદિક મંગલાચરણ કર્યું હતું. એ પછી યુનિવર્સિટીનું કુલગીત રજૂ કરવામાં આવ્યું હતું.

રિજિયોનલ ડિરેક્ટર ડો. અવનિ ત્રિવેદી ભટ્ટએ અતિથિઓનો પરિચય આપ્યો હતો તથા પ્રાદેશિક ઓફિસનો રિપોર્ટ આપ્યો હતો અને બધા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે અમદાવાદ પ્રાદેશિક ઓફિસથી ડિગ્રી પ્રાપ્ત કરનારા કુલ 2047 વિદ્યાર્થીઓ છે, જ્યારે દેશમાં 3,08,584 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં 130 વિદ્યાર્થીઓએ સર્ટિફિકેટ લેવા માટે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અંતમાં આસિસ્ટન્ટ રિજિયોનલ ડિરેક્ટર અમદાવાદના ડો. જયેશ પટેલે બધા સન્માનિત અતિથિઓ તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા રાષ્ટ્રગીત પછી અધ્યક્ષની મંજૂરીથી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

આ પ્રસંગે ભાવનગરના ભૂતપૂર્વ કુલપતિ ડો. એમ. ડી. ચાવડા, એલ. જે. યુનિવર્સિટીના અધ્યક્ષ ડો. મનીષ શાહ તથા અનેક મહાનુભાવો અને સેંકડો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.