સોમનાથઃ શહેરમાં ગુજરાત વહીવટી તંત્ર તરફથી ગેરકાયદે બાંધકામો પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી આશરે સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા 36 જેટલાં બુલડોઝરો આ ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવાની કાર્યવાહીમાં લાગેલાં છે. એનો કાટમાળ હટાવવા માટે 70 ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો બનાવવામાં આવ્યાં હતાં, જેને દૂર કરવામાં વહીવટી તંત્રની ટીમ પહોંચી હતી.
સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયાં છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ આવી પહોંચી છે. હાલમાં મોડી રાતથી કાર્યવાહી ચાલી રહી છે, જો કે થોડા સમય માટે કાર્યવાહી પણ બંધ કરવામાં આવી હતી.
સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. છેલ્લાં બે વર્ષમાં અહીં ઘણાં નવાં કામો કરવામાં આવ્યાં હતાં અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે. મોડી રાત્રે દબાણ દૂર કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થળ પર 1400 પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી હજુ થોડો સમય ચાલુ રહેશે. હાલ સ્થિતિ કાબૂમાં છે અને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.