અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં મોટા પાયે વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી તત્કાળ મોત થવાના 2853 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં છ મહિનામાં હાર્ટ એટેકથી 1052 જણનાં મોત થયાં છે. એમાંથી મોટા ભાગના લોકોની ઉંમર 11થી 25 વર્ષની છે. રાજ્યમાં 108 નંબરની એમ્બ્યુલન્સ સેવાને દરરોજ હૃદયરોગને લગતા સરેરાશ 173 કોલ આવે છે.
એક અંદાજ પ્રમાણે પ્રતિદિન હાર્ટ એટેકથી ચારથી પાંચ લોકોનાં મોત થઈ રહ્યાં છે. શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે શુક્રવારે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા છ મહિનામાં હૃદયરોગના હુમલાને કારણે કુલ 1052 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 80 ટકા લોકો 11-25 વર્ષની વય જૂથના હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હાર્ટ એટેકના કેસોને ધ્યાનમાં રાખીને લગભગ બે લાખ શાળાના શિક્ષકો અને કોલેજના પ્રોફેસરોને ‘કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન’ (CPR)ની તાલીમ આપવામાં આવશે.
રાજ્યમાં. છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકથી તત્કાળ મોત થવાના 2853 કેસ નોંધાયા છે, જેમાં 2529 પુરુષ અને 324 મહિલાનો સમાવેશ થાય છે. આ સાથે હૃદય રોગનો હુમલો થવાથી તત્કાળ મોત થવાની દેશમાં 31,900 ઘટના નોંધવામાં આવી છે, જેમાં 27,556 પુરુષ અને 4241 મહિલા અને ત્રણ ટ્રાન્સજેન્ડર્સનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર 12,591 સાથે મોખરે, કેરળ 3993 સાથે બીજા, ગુજરાત ત્રીજા, કર્ણાટક 2070 સાથે ચોથા અને મધ્ય પ્રદેશ 1672 સાથે પાંચમાં સ્થાને છે, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનો ડેટા કહે છે.
વર્ષ 2022માં રાજ્યમાં વર્ષ 2021માં હાર્ટએટેકથી તત્કાળ મોત થયાની કુલ 2948 ઘટના નોંધાઈ હતી. જેમાં 2611 પુરુષ અને 339 મહિલાનો સમાવેશ થાય છે.