સુરતઃ એક વેબસાઈટનો ઉપયોગ કરીને આધાર કાર્ડ, પેન કાર્ડ અને મતદાર કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો નકલી બનાવતા બે જણની સુરત પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કહ્યું છે કે આ બંને જણની પ્રવૃત્તિ રાષ્ટ્રીય સલામતી માટે ગંભીર જોખમ ખડું કરનારી છે. આરોપીઓ સરકારી ડેટાબેઝ હાંસલ કરતા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગંભીર મામલો છે. આ બંને ગુનેગારે બે વર્ષમાં આશરે બે લાખ જેટલા નકલી આધાર, પેન કાર્ડ અને વોટર્સ આઈડી બનાવીને વેચ્યા છે. તેઓ નકલી કાર્ડ માટે 15થી લઈને 200 રૂપિયામાં વેચતા હતા.
સહાયક પોલીસ કમિશનર (આર્થિક ગુના શાખા) વી.કે. પરમારે કહ્યું કે, લોન આપનાર એક ખાનગી કંપનીના અધિકારીઓ તરફથી પોલીસને ફરિયાદ મળી હતી કે કેટલીક વ્યક્તિઓએ નકલી દસ્તાવેજોના આધારે લોન મેળવી છે. એમણે લોન પાછી ચૂકવી પણ નથી. પોલીસે તરત જ એક્શનમાં આવીને છ જણને ઝપટમાં લીધા હતા. પૂછપરછ કરતાં પ્રિન્સ હેમંત પ્રસાદ નામના એક આરોપીએ કહ્યું કે એણે પોતાનું યૂઝરનેમ અને પાસવર્ડ રજિસ્ટર કરાવીને વાંધાજનક વેબસાઈટ એક્સેસ કરી હતી અને તે પછી દસ્તાવેજ દીઠ રૂ. 15-50 ચૂકવીને નકલી આધાર અને પેન કાર્ડ ડાઉનલોડ કર્યા હતા. ત્યારબાદ એનો ઉપયોગ કરીને લોન લીધી હતી.
એક અન્ય આરોપીનું નામ છે સોમનાથ પ્રમોદકુમાર. એ રાજસ્થાનના ગંગાનગરનો રહેવાસી છે. ત્રીજો છે પ્રેમવીરસિંહ ઠાકુર, જે ઉત્તર પ્રદેશના ઉનાઓનો રહેવાસી છે. સોમનાથ માત્ર પાંચમા ધોરણ સુધી ભણ્યો છે. એણે આવી ગેરપ્રવૃત્તિઓ કરતા અમુક ચોક્કસ લોકો પાસેથી તાલીમ મેળવી હતી. એ ત્રણ વર્ષથી વેબસાઈટ ચલાવતો હતો.
સુરત પોલીસનું માનવું છે કે કૌભાંડમાં બીજા ઘણા લોકો સંડોવાયેલા હોય એવી શક્યતા છે. પોલીસે સોમનાથ અને એની માતાના બેન્ક એકાઉન્ટ્સને સ્થગિત કરાવી દીધા છે જેમાં 25 લાખ રૂપિયા છે.