આશિષ ભાટિયા રાજ્યના નવા DGP, 1લી ઓગસ્ટથી સંભાળશે ચાર્જ

અમદાવાદ: રાજ્યના નવા પોલીસવડા (DGP) તરીકે આશિષ ભાટિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે. આશિષ ભાટિયા વર્ષ 1985ની બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે. શિવાનંદ ઝાને નિવૃત્તિ બાદ ત્રણ મહિનાનો એક્સ્ટેશન સમય આપવામાં આવ્યો હતો, જે આજે પૂર્ણ થતાં આશિષ ભાટિયાની નિયુક્તિ કરવામાં આવી છે. આશિષ ભાટિયા 1લી ઓગસ્ટથી રાજ્યના પોલીસવડા તરીકે ચાર્જ સંભાળશે.

અમદાવાદ કમિશનર તરીકે નિયુક્તિ થઈ તે પહેલા તેઓ CID, ક્રાઈમ અને રેલવેના DGP હતા. આશિષ ભાટિયા મૂળ હરિયાણાના વતની છે અને તેઓ છેલ્લા 20 વર્ષમાં ગુજરાત પોલીસના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે.

2002માં રાજ્યમાં થયેલા કોમી રમખાણોમાંના નવ કેસની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલી SITના પણ તેઓ સભ્ય હતા. આશિષ ભાટિયા 2016માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ભાટિયાને 2001માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે.