GST કૌભાંડમાં 15 અધિકારીઓની સંડોવણી, 3 IAS અધિકારીઓ સહિત તમામને EDનુ તેડું

અમદાવાદ: એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ રૂપિયા 2 હજાર કરોડના જીએસટી કૌભાંડના કેસમાં મહેશ લાંગાની મોડી રાત્રે ધરપકડ કરી છે. લાંગાની પૂછપરછમાં ગુજરાત સરકારના 3 આઈએએસ અધિકારી સહિત 15 અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જે સરકારી અધિકારીઓના નામ ખૂલ્યાં છે તેમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા નાણાં વિભાગના અધિકારીઓ ઉપરાંત જીએસટી વિભાગના અધિકારીઓનાં નામ પણ સામેલ છે.

જીએસટી કૌભાંડમાં સંડોવાયેલા મહેશ લાંગાએ ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની ખોલીને બોગસ બીલિંગ કરીને આઇટીસી લેવા માંડી હતી. ધ્રુવી એન્ટરપ્રાઈઝની સાથે ડી.એ એન્ટરપ્રાઈઝ નામની કંપની પણ ખોલવામાં આવી હતી. આ કંપની મનોજ લાંગા અને વિનુ પટેલના નામે ખોલવામાં આવી હતી. કુલ 200 જેટલી બોગસ કંપનીઓ ખોલવામાં આવી હતી જેમાં 50 જેટલી કંપનીઓ ગુજરાતમાં રજીસ્ટર થઈ હતી, બાકીની કંપનીઓ દેશભરમાં ફેલાયેલી હતી અને અંદાજે 200 જેટલા બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહેશ લાંગાના પરિવારને સચિવાલયમાં લઈને ફરતા પત્રકારો અને વચેટીયાઓના નામ પણ બહાર આવ્યાં છે. ઈડી દ્વારા આ તમામની કોલ ડિટેઇલ મેળવાઈ રહી છે અને બે-ત્રણ દિવસમાં તેમને પણ સમન્સ આપીને જવાબ લેવા માટે બોલાવવામાં આવી શકે છે.  આ કેસમાં સૌપ્રથમ સેન્ટ્રલ એક્સાઈઝ ઈન્ટેલિજન્સ દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ પોલીસ દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બંને કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ ગયા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અમદાવાદ સુરત બરોડા, રાજકોટ ભાવનગર જામનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં ફૈઝલ શેખ, ઈરફાન શેખ, જીગ્નેશ દેસાઈ, પરેશ ડોડીયા, હરેશ મકવાણા સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમાં ઓમ કન્સ્ટ્રક્શન રાજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓમ હર્ષ કન્સ્ટ્રક્શન નામની કંપનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સોલંકી એન્ટરપ્રાઈઝ દ્વારા ખોટા બીલો રજૂ કરીને ખોટી રીતે આઈટીસી લેવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.