અમદાવાદઃ વિશ્વવત્સલ ભગવાન મહાવીરસ્વામીના ધર્મશાસનમાં પોતાની ઉત્કૃષ્ટ આત્મદશા, અસાધારણ પ્રતિભા, અદ્દભુત સાહિત્યસર્જન આદિના કારણે શ્રીમદ્ રાજચંદ્રજીનું શુભ નામ અત્યંત આદરપૂર્વક લેવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જેઓને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા, તે અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીનું સમગ્ર સાહિત્ય સાધકોને શાશ્વત સુખના માર્ગ પર અતિશય અવલંબનભૂત છે અને તેમાં પણ મૂર્ધન્યસ્થાને બિરાજે છે, તેમની અમરકૃતિ – ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’! અતિ સરળ અને પ્રૌઢ ગુજરાતી ભાષામાં, સકળ મોક્ષમાર્ગનું માત્ર ૧૪૨ ગાથાઓમાં નિદર્શન કરાવનારું આ શાસ્ત્ર ષડ્દર્શનનો સાર છે, સમસ્ત તત્ત્વજ્ઞાનનો નિચોડ છે. અનેક તત્વચિંતકોએ જેનું વિવેચન કરી પોતાનો અહોભાવ દર્શાવ્યો છે, અનેક ભાષાઓમાં જેનું ભાષાંતરણ થયું છે, એવા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ની રચના શ્રીમદ્ રાજચંદ્રજીએ માત્ર ૨૮ વર્ષની ઉંમરે, વિ.સં. ૧૯૫રના આસો વદ એકમના દિવસે, શ્રી નડિયાદક્ષેત્રે, નાના કુંભનાથ મહાદેવના મંદિરની ઓરડીમાં માત્ર દોઢ બે કલાકમાં કરી હતી.
તા. ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૧ના શુભ દિને, (આસો વદ એકમ, વિ.સં.૨૦૭૭) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’, આ અદ્વિતિય કૃતિની રચનાની ૧૨૫મી જયંતિ છે. આ મંગળ અવસરની ઉજવણી કરતાં, વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ વૈશ્વિક સાધકો માટે ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ની દરેક ગાથામાં સમાવિષ્ટ મર્મને સમજાવતાં અંગ્રેજી ભાષામાં સ્પષ્ટ વિવેચન લખ્યું છે. આ પુસ્તકમાં વિવિધ સ્તરના વાચકો સમજી શકે તેવી સરળ અને આધુનિક શૈલીમાં આ મહાન કૃતિના પરમ રહસ્યો ઉદ્ઘાટિત કર્યા છે. અત્યંત કરુણા અને દૂરદૃષ્ટિથી લખાયેલ આ પુસ્તકમાં આત્મસાક્ષાત્કાર માટેના પ્રત્યેક કદમનું માર્ગદર્શન છે.
આમ અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીની ઉચ્ચ આત્મદશામાંથી પ્રગટેલ, આધ્યાત્મિક સાહિત્યનું અણમોલ ગ્રંથરત્ન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ અનેક લોકોના આત્મકલ્યાણમાં નિમિત્ત બની વિશ્વને શાશ્વત શાંતિનો માર્ગ બતાડી રહ્યું છે, સાથે જ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા આધુનિક સાધકો માટે તેના પર લખાયેલ વિવેચનનું પુસ્તક વર્તમાન અને આવનારી અનેક પેઢીઓને આત્મકલ્યાણના માર્ગમાં અજવાળાં પાથરશે!