કોંગ્રેસના નાણાંની હેરફેરના આરોપ વચ્ચે ‘આપ’ની 10મી યાદી જાહેર

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય રંગમંચ પર કશ્મકશ જારી છે. દિલ્હીમાં ભાજપે હાલમાં જ ‘આપ’ પાર્ટી પર બાંધકામ મજૂરોને લઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ મૂક્યો હતો, હવે કોંગ્રેસ દ્વારા ‘આપ’ પર ચૂંટણી માટે ફંડની હેરફેર કરવાના ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. દરમ્યાન, ‘આપ’ પાર્ટીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.

કોંગ્રેસના નેતા પવન ખેડાએ ‘આપ’ પર ચાર્ટર્ડ વિમાન દ્વારા બે રાજ્યોના મુખ્ય પ્રધાનો ચૂંટણી લડવા માટે કરોડો રૂપિયા લાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે આ બાબતે તપાસની માગ કરી છે. તેમણે પંજાબના મુખ્ય પ્રધાન પર પણ નાણાંની હેરફેર કર્યાનો આરોપ મૂક્યો હતો.  

બીજી બાજુ, આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોની 10મી યાદી પણ જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા વધુ 21 ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. નવા 21 ઉમેદવારો સાથે આપે અત્યાર સુધીમાં 139 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે.

આપની 10મી યાદીમાં જે નામ જાહેર કરવામાં આવ્યાં છે, એમાં વાવથી ડૉ. ભીમ પટેલ, ઠક્કરબાપાનગરથી સંજય મોરી, બાપુનગરથી રાજેશ દીક્ષિત, દસક્રોઈથી કિરણ પટેલ, ધોળકાથી જાત્તુલા ગોલ, ધ્રાંગધ્રાથી વાગજી પટેલ, વિરમગામથી કુંવરજી ઠાકોર, માણવાદરથી કરશનબાપુ ભદ્રકા, ધારીથી કાંતિ સતાસિયા, સાવરકુંડલાથી ભરત નાકરની, અમરેલીથી અશોક જોલીય, તળાજાથી લાલુબહેન ચૌહાણ, ગઢડાથી રમેશ પરમાર, ખંભાતથી ભરતસિંહ ચાવડા સોજિત્રાથી મનુ ઠાકોર, લીમખેડાથી નરેશ બારિયા, પાદરાથી જયદીપસિંહ ચૌહાણ, વાગરાથી જયરાજ સિંહ, અંકલેશ્વરથી અંકુર પટેલ, માંગરોળથી સ્નેહલ વસાવા, સુરત પૂર્વથી મોકેશ સંઘવીનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે.