રિવરફ્રન્ટ પર રેંટિયા બારસ

અમદાવાદ: ગાંધીજીની તિથિ પ્રમાણેના જન્મ દિવસ ‘રેંટિયા બારસ’ને રિવરફ્રન્ટ પર ઉજવાયો. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા સમૂહ કાંતણનું આયોજન કરવામાં આવ્યું હતું.ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપક મહાત્મા ગાંધીજીના ગુજરાતી તિથિ મુજબના જન્મદિવસને ‘રેંટિયા બારસ’ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ અવસરે “સેવા પખવાડિયા” અંતર્ગત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તારીખ 18 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી 9 વાગ્યા દરમિયાન રેંટિયા પર વિશાળ સમૂહ કાંતણનું આયોજન કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ પર યોજાયેલા આ કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠના લગભગ 2,000 વિદ્યાર્થીઓ સાથે તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સેવકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમૂહ કાંતણથી સમગ્ર પરિસરમાં ગાંધીજીના વિચાર, સાદગી અને મૂલ્યો તરફ સૌને પ્રેરણા મળી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ગ્રામ ઉદ્યોગ, ખાદી અને ગ્રામિણ ઉદ્યોગ વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ વિશ્વકર્માએ એમના વક્તવ્યમાં કહ્યું, “આજે આખા દેશની અંદર ખાદી પહેરવાનો આધુનિક ટ્રેન્ડ શરૂ થયો છે. ખાદીના આ માધ્યમને વધુ જીવંત કરવા માટે બધાની વચ્ચે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટમાં ‘રેંટિયા બારસ’ની ઉજવણીનો એક સરસ કાર્યક્રમનું આયોજન થયું છે.વિશિષ્ટ મહેમાન તરીકે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા તથા વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ ડૉ. આર.સી. પટેલ (આઈ.આઈ.ટી.ઈ.- ગાંધીનગર), ડૉ. ટી.એસ. જોશી (ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સીટી), ડૉ. નિરંજન પટેલ (સરદાર પટેલ યુનિવર્સીટી) અને ડૉ. એસ.પી. સિંઘ (કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સીટી) ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ગાંધીજીના ‘સ્વદેશી’ અને ‘આત્મનિર્ભરતા’ના વિચારને યાદ કરાયો હતો. ગાંધીજી માનતા હતા કે સ્વદેશી માત્ર આર્થિક વિચાર નથી. પરંતુ જીવનપદ્ધતિ છે, જે ગામડાંઓને રોજગાર આપે છે. સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત બનાવે છે. આત્મનિર્ભરતા દ્વારા સ્વયં પર આધારિત બનીને સાચી પ્રગતિ શક્ય બને છે. આજના સમયમાં પણ આ વિચારધારા “ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન”, “મેક ઇન ઇન્ડિયા” જેવી પહેલોને મજબૂત આધાર પૂરું પાડે છે.ગૂજરાત વિદ્યાપીઠના આ કાર્યક્રમ દ્વારા ગાંધીજીના વિચારોને નવી પેઢીમાં પ્રસરાવવા અને સેવા-સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવા સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)