રાજ્યમાં 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાશે

ગાંધીનગર: ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ગુજરાતના વિકાસની જે યાત્રા શરૂ થઈ તેને ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે અંતર્ગત ૭થી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. આ વિશેની જાણકારી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં આપી હતી.પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, આ વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના કુલ ૧૦ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા સાથે ૧૩ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રત્યેક દિવસની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં ગુજરાતના લોકોને જાણકારી આપવાની સાથે વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાવાના છે, તેમાં વિધાનસભાના પ્રાંગણમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. આ જ સમયે રાજ્યના ૩૪ જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અને અન્ય સરકારી કચેરીઓમાં, શાળા-કોલેજોમાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. વધુમાં આ પ્રતિજ્ઞાને વ્યાપક સ્વરૂપે લઈ જવા માટે My.Gov.પોર્ટલ પરથી મોટી સંખ્યામાં ઓનલાઈન પ્રતિજ્ઞા લઈ શકે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

તા. ૦૭/૧૦/૨૦૨૫

યુવા સશક્તિકરણ કાર્યક્રમ 

તા. ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગશીપ યોજનાઓનું પ્રદર્શન, સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન, શાળા અને કોલેજમાં નિબંધ સ્પર્ધાનું આયોજન, વ્યાખ્યાન માળા,અગત્યના લોકેશન પર પદયાત્રા, દરરોજ “નમોત્સવ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તીલક વર્મા સાથે પોડકાસ્ટ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા ખાતે જેમાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને વિકસીત ભારત@૨૦૪૭ના સંકલ્પને પૂર્ણ કરવા યુવાનોની સહભાગિતા વિષય પર મનોમંથન-ચિંતન કરાશે. આ ઉપરાંત અન્ય ૫૦ સ્થળોએ પણ આ પ્રકારના કાર્યક્રમ સપ્તાહ દરમિયાન આયોજન કરાશે.

આત્મનિર્ભર ભારત

GST Reforms અને સહકાર ક્ષેત્રને આપેલા લાભ માટે સહકારી સંસ્થાના સભાસદો દ્વારા વડાપ્રધાનને એક કરોડથી વધુ પોસ્ટકાર્ડ દ્વારા આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ. આત્મનિર્ભર ભારત, ગર્વ સે કહો સ્વદેશી હે, આયુષ્માન ભારત, નાણાકીય સમાવેષિકરણ અને DBT, સોલાર રૂફટોપ યોજના, GST સુધારા જેવા વિવિધ વિષયો પર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. ૭ ઓક્ટોબરના રોજ પોસ્ટકાર્ડના પ્રદર્શનનું પણ આયોજન અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે, જેને નાગરિકો નિહાળી શકશે.

આ ઉપરાંત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા પણ રાજયની જુદી-જુદી કૉલેજોના વિધાર્થીઓએ સ્વદેશી અભિયાન, ઓપરેશન સિંદુર, જી.એસ.ટી. ક્રાન્તિ અંગે પોસ્ટકાર્ડ દ્વારા તેમની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કુલ ૪.૫૦ લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.

તા. ૦૮/૧૦/૨૦૨૫

રોજગાર મેળો કાર્યક્રમ

ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ સાથે અન્ય કુલ ૩૩ જિલ્લાઓમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાશે. જેમાં ૫૦ હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ૨૫ હજારથી વધુ ITI વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ ઓફર પત્રનું વિતરણ પણ કરવામાં આવશે. વધુમાં, ITIના અપગ્રેડેશન માટે ઉદ્યોગગૃહો સાથે ૧૦૦થી વધુ MOUs પણ કરવામાં આવશે.

તા. ૦૯/૧૦/૨૦૨૫ અને ૧૦/૧૦/૨૦૨૫

મહેસાણા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન

MSME કોન્કલેવ, ઉદ્યમિતા સહાય મેળા, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ, રિવર્સ બાયર્સ સેલર મીટ, પ્રાદેશિક પુરસ્કારો, અગ્રણી ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ તેમજ યુવાનો તેમની વિકાસ યાત્રાનો અનુભવ તેમજ આ પ્રદેશો વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝનમાં કેવી રીતે યોગદાન આપી શકે તેના વિશે ચર્ચા, સ્ટાર્ટઅપ હેકાથોન, સ્ટાર્ટઅપ્સ દ્વારા પિચિંગ સેશન તેમજ ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે.

તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૫

રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ, પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ વિશે માર્ગદર્શન, વિવિધ યોજનાઓ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું સન્માન, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને લગતી જાહેરાત, રાજ્યની તમામ ગ્રામ પંચાયત ખાતે પંચાયત ઘરનું સામુહિક ખાતમુહૂર્ત કરવામાં આવશે.

તા. ૧૨ અને ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫

રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન

દિવસે નગરપાલિકાઓના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ, સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન, તમામ મહાનગરપાલિકાઓમાં સ્થાનિક કલાકારોના સહયોગથી રિસાઇકલ કરેલી વસ્તુઓનો ઉપયોગ કરી સાર્વજનિક સ્થાપત્યનું સર્જન તેમજ તમામ મહાનગરપાલિકાઓના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવાલો પર ભીંત ચિત્રો બનાવવા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫

કૃષિ વિકાસ દિન/ રવિ કૃષિ મહોત્સવ    

રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ, રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદો અને ખેડૂત માર્ગદર્શન, કૃષિ પ્રદર્શનો, પશુ આરોગ્ય મેળા, નવીન ટેકનોલોજી આધારિત પ્રદર્શનો – સ્ટોલ જેવી અનેકવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫

ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો

લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં રૂ. ૧ કરોડથી રૂ. ૨૫ કરોડ સુધીના રૂ. ૩,૩૨૬ કરોડના કામોનો સમાવેશ થાય છે.

આરોગ્ય વિભાગ

વિકાસ સપ્તાહ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અતિજોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી અંદાજિત ૧૭૦૦ સગર્ભા માતાઓની ઓળખ, કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાન અંગેની સમજ, નમોશ્રી યોજના અંતર્ગત અંદાજિત ૧૦,૦૦૦થી વધુ  લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન તથા અંદાજીત રૂ. ૭ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ અંદાજિત ૬૦૦૦ થી વધુ લાભાર્થીઓને અંદાજિત રૂ ૧.૫ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું કરવામાં આવશે.

આ ઉપરાંત વય વંદના યોજના અંતર્ગત – ૭૦થી વધુ ઉંમરના ૧૪૦૦૦ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ, વિકાસ સપ્તાહ દરમ્યાન સ્થાનિક ધારાસભ્ય તથા પદાધિકારી દ્વારા ટી.બી.ના નિદાન માટેના ૧૮૦ TrueNAT મશીનોના લોકાર્પણનો કાર્યક્રમ, રાજ્યની ૨૪ મેડિકલ કોલેજ થકી CPR (cardiopulmonary resuscitation)  તાલીમનું આયોજન, ૧૦મી ઓક્ટોબર, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર, માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ કાર્યક્રમોનું આયોજન, જિલ્લા દીઠ એક CHC એમ કુલ 34 મોડેલ CHC બનાવવા સંકલ્પ, પોડકાસ્ટ મારફતે આરોગ્ય જાગૃતિ, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન(SNSPA) અંતર્ગત કરેલ કામગીરીનું E  book મારફતે લોન્ચિંગ કરવામાં આવશે.