ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

ગુજરાત સહિત દેશભરમાં આજકાલ ધમકીઓ મળી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં ફરી એકવખત ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. હાઈકોર્ટના રજિસ્ટ્રારને બોમ્બની ધમકીનો મેઈલ મળ્યો હતો. આ પછી બોમ્બની ધમકીના મેઈલની રજિસ્ટ્રાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાઈકોર્ટને બોમ્બની ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

આ મામલે બોમ્બ સ્કોવોડ, SOG અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત બ્લાસ્ટની ધમકીનો મેઈલ મળતા પોલીસે હાઈકોર્ટ પહોંચી હતી. સોલા પોલીસ સહિત બોમ્બ સ્કોડ હાઈકોર્ટ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. BDDSM સ્કોવ્ડની ટીમ સાથે અલગ-અલગ કોર્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હાલમાં તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. બ્લાસ્ટની ધમકીને પગલે સોલા પોલીસે ફરિયાદ નોંધી આ મામલે સઘન તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત બ્લાસ્ટ અંગે મેઈલ કરનારની સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.