ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે વહીવટી સરળતા અને નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, લાંબા સમયની વિચારણા બાદ રાજ્ય સરકારે મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી-કમ-મંત્રી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરતો જોબ ચાર્ટ જાહેર કર્યો છે. આ નિર્ણયથી ગ્રામીણ સ્તરના ૯૦ થી ૧૦૦ અને વિષયવાર અંદાજે ૨૯૦ જેટલા પ્રજાલક્ષી કામોનું સંચાલન વધુ સરળ બનશે.
પંચાયત તલાટી-કમ-મંત્રીનું કાર્યક્ષેત્ર
-
પંચાયત અને વિકાસ કામગીરી: ગ્રામ પંચાયત સચિવ તરીકેની તમામ ફરજો, પંચાયત અધિનિયમ મુજબના કામો અને ગ્રામસભાનું સંચાલન.
-
યોજનાઓ અને પ્રમાણપત્રો: PM-KISAN, PM-VISHWAKARMA, ઈ-ગ્રામ/ઈ-નિર્માણ કાર્ડ, વિવિધ દાખલાઓ અને સરકારી યોજનાઓનું અમલીકરણ.
-
સામાજિક અને ગ્રામ્ય સુવિધાઓ: ગ્રામતળ, ગૌચર, પાણી પુરવઠો, વૃક્ષારોપણ, સ્વચ્છતા, આરોગ્ય, આંગણવાડી અને પ્રાથમિક શિક્ષણ સંબંધિત સંકલન.
મહેસૂલી તલાટીનું કાર્યક્ષેત્ર
-
જમીન અને મહેસૂલી રેકર્ડ: જમીન મહેસૂલની વસૂલાત, જમીન સંપાદન, અશાંત ધારો, હિજરતી મિલકત અને PM-સ્વામિત્વ યોજના.
-
કૃષિ અને આપત્તિ વ્યવસ્થાપન: પાક કાપણી પ્રયોગો (CCE), ફાર્મર રજિસ્ટ્રેશન, પાક વીમો અને કુદરતી આપત્તિ સમયે કૃષિ રાહત પેકેજની કામગીરી.
-
દબાણ અને સર્વે: સરકારી જમીન તથા મિલકતના હકોની ચકાસણી અને સર્વેને લગતી કામગીરી.
પરસ્પર સંકલન: આપત્તિ વ્યવસ્થાપન અને રાહત પેકેજ જેવી સ્થિતિમાં બંને કેડર સંકલનપૂર્વક કામ કરશે. આ ઉપરાંત, ખાસ કિસ્સામાં વિકાસ કમિશનરના હુકમથી VCE દ્વારા મહેસૂલી તલાટીને પણ મદદ પૂરી પાડી શકાશે.






