અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઘમાસાન ચાલી રહ્યું છે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. ઉમેદવારોની જાહેરાત બાદ હવે તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. જો કે પહેલાની ચૂંટણીઓ કરતા આ ચૂંટણીમાં કાર્યકર્તાઓની સંખ્યા અને લોકોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. આચારસંહિતાના કારણે કલેકટર કચેરીની બહાર ટોળા ઓછા જોવા મળે છે. એમ છતાં કેટલાક ઉમેદવારો પોતાની તરફ ધ્યાન આકર્ષિત થાય એવા કાર્યક્રમો કરવાનું ચૂકતા નથી.
કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ ગેસના બાટલા લઇને ફોર્મ ભરવા પહોંચ્યા
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની ઠક્કર બાપા નગરના કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ ગેસના બાટલા લઇને ફોર્મ ભરવા આવ્યા હતા. ઉંટલારીઓ, ગાડીઓ અને ટુ વ્હીલરની રેલી સાથે ગેસના બાટલા લઈને ફોર્મ ફરવા પહોંચ્યા હતા. વધતી જતી મોંઘવારીને ડામવાનો એક મુદ્દો કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીના ઘોષણાપત્રમાં મુકવામાં આવ્યો છે. કોંગ્રેસે દ્વારા ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો રૂ.500માં ગેસની બોટલ આપવામાં આવશે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
