વર્ષ 2024માં ગુજરાત બન્યું બેસ્ટ પ્રવાસન સ્થળ

અમદાવાદઃ યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલે “વર્લ્ડ હેરિટેજ ડે” તરીકે ઊજવવામાં આવે છે રાજ્યમાં આવેલા ચાર વૈશ્વિક હેરિટેજ સહિત વિવિધ કુલ 18 હેરિટેજ પ્રકારનાં સ્થળોની ગયા વર્ષે કુલ 36.95 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.. રાજ્યમાં પણ સ્થાપત્ય, ઈતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા અને શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણકી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ ચાર સાઈટને વર્લ્ડ હેરિટેજ-વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ગુજરાતની આ ચાર હેરિટેજ સાઈટની વિશેષ સારસંભાળની સાથે આ સ્થળોએ પ્રવાસીઓ માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે વર્ષ 2024માં અંદાજે 12.88 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ આ ચાર સાઇટની મુલાકાત લીધી હતી, જેમાં સૌથી વધુ 7.15 લાખથી વધુએ હેરિટેજ સિટી અમદાવાદ જ્યારે 3.64 લાખથી વધુ પ્રવાસીઓએ રાણકી વાવ-પાટણ ઉપરાંત 1.60 લાખથી વધુ પ્રવાસીઓએ ધોળાવીરા તેમ જ 47,000થી વધુ પ્રવાસીઓએ ચાંપાનેરની મુલાકાત કરી હતી.

ચાંપાનેર-પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું એક પૌરાણિક-ઐતિહાસિક શહેર છે. તેને યુનેસ્કો દ્વારા વર્ષ 2004માં ગુજરાતના સૌપ્રથમ “વિશ્વ વિરાસત સ્થળ”નો દરજ્જો એનાયત થયો છે. ગુજરાતમાં આવેલી શક્તિપીઠો પૈકી અહી આવેલું કાલિકા માતાનું મંદિર ત્રીજી શક્તિપીઠ છે. તેની સ્થાપના આઠમી સદીમાં રાજા વનરાજ ચાવડાએ કરી હતી. ચાંપાનેરનું નામ તેના સેનાપતિ ચાંપરાજ ઉપરથી આવ્યું છે.