ગાંધીનગર: રાજ્યમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ધોરણ 10-12ના કુલ 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટતા સ્કૂલ બિલ્ડિંગ અને બ્લોકની સંખ્યા ઘટી છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો. 10-12ની બોર્ડ પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી 11મી માર્ચ સુધી લેવાશે અને સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓના કુલ મળીને 1,661 કેન્દ્રોમાં 5,222 સ્કૂલ બિલ્ડિંગ, 50,991 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ગત વર્ષે 1,934 કેન્દ્રોમાં 5,378 બિલ્ડિંગ્સમાં 54,292 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. જો કે, આ વર્ષે નવા કેન્દ્રો માંગણીઓને પગલે મંજૂર કુલ કેન્દ્રો વધ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ ઘટતા 156 સ્કૂલ બિલ્ડિંગ ઘટી છે અને 3,303 બ્લોક ઘટ્યા છે. રાજ્યના 146 સ્ટ્રોંગરૂમોમાં પ્રશ્નપત્રો સીલબંધ કવરમાં સુરક્ષા હેઠળ મુકી દેવાયા છે અને તમામ કેન્દ્રોમાં એક-એક સીસીટીવી સુપરવાઈઝર મૂકવામાં આવ્યા છે.
બોર્ડ પરીક્ષામાં આજે ધોરણ 10માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતના પ્રથમ ભાષાના વિષયની પરીક્ષા લેવાશે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10:15 વાગે શરૂ થશે અને 1:15 સુધીનો સમય રહેશે. વિદ્યાર્થીઓને 9:30થી પ્રવેશ આપી દેવાશે. બપોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ વિષયની પરીક્ષા લેવાશે. જેનો સમય બપોરે 3થી 6:15નો રહેશે. ધોરણ 12 સાયન્સમાં ફીઝિક્સ વિષયની પરીક્ષા લેવાશે. જેનો સમય બપોરે 3થી 6:30નો રહેશે.
