સુરત: એક તરફ મેઘરાજા ગમે ત્યારે પ્રગટ થઈને ગુજરાતને ધમરોળી રહ્યા છે. દશેરાની રાત્રિએ ભારે કડાકા-ભડાકા સાથે સુરતમાં વરસાદે એન્ટ્રી મારી હતી. ચારેબાજુ પાણી-પાણી થઇ ગયા હતાં. હવે સુરતથી વરસાદી પાણીને રોકવા માટેનું જન આંદોલન દશેરાના બીજા દિવસથી શરૂ થયું છે. દશેરાએ નહીં પણ દશેરાના બીજા દિવસથી ‘કેચ ધ રેઇન’નો ઘોડો સુરતના ઘોડ દોડ રોડ પર આવેલા ઇન્ડોર સ્ટેડિયમથી દોડયો હતો. જેના આરંભ અર્થે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલનાં નેતૃત્વમાં ઈન્ડોર સ્ટેડિયમમાં રવિવારની ઢળતી સાંજે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજલલાલ શર્મા તેમજ બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેડિયમમાં હજારોની જનમેદની વચ્ચે સ્ટેજ પર રાખવામાં આવેલા ત્રણ પાત્રમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કળશથી જળ અર્પણ કર્યું હતું. દીપ પ્રાગટ્યની જગ્યાએ જળ અર્પણનો પ્રયોગ લોકોએ વધાવી લીધો હતો. જળ સંચયનો આરંભ તો આવો જ પાણીદાર હોય ને ! જળઅર્પણ વિધિ બાદ તમામ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૧માં ‘કેચ ધ રેઈન’ પ્રોજેકટની શરૂઆત કરી હતી. વરસાદના પાણીને ઝીલી લો અભિયાન હેઠળ વરસાદના પાણીના ટીપેટીપાનો સંગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સગ્રંહ થાય તેવી સંકલ્પના વડાપ્રધાનએ કરી હતી. આ ઝુંબેશ હેઠળ ગુજરાતમાં જળસંચય જનભાગીદારી ઝુંબેશની શરૂઆત ડાયમંડ નગરી સુરતથી કરવામાં આવી હતી. રાજયભરમાં ૮૦,૦૦૦થી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના કાર્યો માટેનું કમીટમેન્ટ મળી ચુકયું છે. રાજયની ઈન્ડસ્ટ્રીઝ, એન.જી.ઓ., સરકાર સાથે મળીને આગામી સમયમાં બે લાખથી વધુ રેઈન વોટર હાર્વેસ્ટિંગનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવશે. સુરત સહિત ગુજરાતમાં એપાર્ટમેન્ટ, સોસાયટીઓમાં લોકો વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા કામે લાગી ગયા છે.” કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, “કર્મભૂમિથી જન્મભૂમિ સ્લોગન સાથે ગુજરાતની જળસંચય જન ભાગીદારી ઝુંબેશ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બને એ માટે સુરતમાં વસતા મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારના વેપારીઓ-ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓએ બીડું ઝડપ્યું છે. રાજસ્થાનનાં સુરતમાં વસતા વેપારીઓ, ઉદ્યોગપતિઓએ રાજસ્થાનના તમામ ગામોમાં ગામદીઠ ચાર બોર કરીને વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટેની જવાબદારી લીધી છે. જયારે મધ્ય પ્રદેશના વેપારીઓએ પોતાના રાજ્યમાં ૩૫૦૦ ગામોમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો કરશે. તો બિહારના પાંચ જિલ્લાના ગામોમાં વોટર રિચાર્જીંગ માટેના કાર્યો બિહારના વતની અને સુરતમાં વસતા વેપારીઓ-ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવશે.”કાર્યક્રમમાં સી. આર પાટિલે વડાપ્રધાનની નળથી જળ, નદી જોડો, વગેરે કાર્યોને યાદ કરીને વડાપ્રધાનની દેશ પ્રત્યેની લાગણીને શબ્દોથી સન્માનિત કરી હતી. કાર્યક્રમમાં હાજર બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, “હું એ રાજ્યમાંથી આવુ છું જ્યાં નદીમાં પૂર આવે છે. ૨૦૦૮ સુધી નેપાળથી આવતું બે લાખ ક્યુસેક પાણી પણ મેનેજ થતું ન હતું. પણ હવે સાડા છ લાખ ક્યુસેક સુધી યોગ્ય મેનેજમેન્ટ થઇ રહ્યું છે. આ ઝુંબેશથી દેશની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. દેશનો સુવર્ણકાળનો આ મનોરથ છે. જેમાં બિહાર તમારી પડખે છે.” રાજસ્થાનનાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું કે, “જે કામ ગુજરાતથી શરૂ થાય છે, એ આખા દેશમાં પહોંચે છે. રાજસ્થાનમાં પાણીની ખુબ આવશ્યકતા રહે છે. પાણીનો સંગ્રહ એ રાજસ્થાનની પરંપરા રહી છે. આ આંદોલનનો રાજસ્થાનને સૌથી મોટો ફાયદો થશે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે 2003માં નર્મદા જળ રાજસ્થાન સુધી પહોંચાડીને તેમણે પાડોશી ધર્મ નિભાવ્યો હતો. ભજનલાલે યમુના નદીને લઇને કોંગ્રેસ પર પણ નિશાન તાક્યું હતું.” મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, જે રીતે પુરાણકાળમાં ભગીરથે ગંગા અવતરણનું કાર્ય કર્યું હતું. સી. આર. પાટીલ એ પ્રકારનું કામ કરવા જઈ રહ્યા છે. ભગવાન શંકરે માથે જળ ચડાવ્યું, કૃષ્ણે ગોવર્ધન ઊંચક્યો વગેરે ધાર્મિક વાતો સાથે પાણીની મહત્તા સમજાવતા એમણે ગુજરાતની અસ્મિતાના પણ ખુબ વખાણ કર્યા. નદી જોડો ઝુંબેશમાં મધ્ય પ્રદેશ અવ્વલ હોવાનું કહીને મોહન યાદવે મધ્ય પ્રદેશને નદીઓનું પિયર ગણાવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે, “એક ભારત શ્રેષ્ઠ ભારત માટે આપણે સૌ ભેગા થયા છીએ. અત્યારે અહીં ચાર રાજ્યના મુખ્યમંત્રી છે પણ હવે તમામ રાજ્યના મુખ્યમંત્રી એકત્ર થાય એવું કામ કરવાનું છે. આખા દેશને પ્રેરણા આપતા આ કાર્યક્રમથી વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે મોટું કામ થશે. વહી જતાં પાણીનું મેનેજમેન્ટ ખુબ જરૂરી છે. ભગવાન મહાવીર પણ કહેતા કે, પાણીને ઘીની જેમ વાપરવું જોઈએ.”