સૌરાષ્ટ્રનું ગોંડલ શહેર ફરી એકવાર ચર્ચામાં છે. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાનો અલ્પેશ કથીરિયા,ધાર્મિક માલવીયા અને જીગીષા પટેલ ગોંડલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગોંડલમાં ભયનું વાતાવરણ હોવાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, હાલમાં ગોંડલમાં ગીતાબા જાડેજા ધારાસભ્ય છે. હવે અલ્પેશ કથીરિયાના આરોપ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. સુરતથી આવેલા લોકોએ લોકોનો રોષ જોઇને ગોંડલ છોડીને જતુ રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. 500 કિલોમીટર દૂર રહીને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે. અને બીજી તરફ ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું, ગોંડલની જનતાએ નામ આપ્યું છે. આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટીંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે.જેને લડવું હોય તે લડી શકે છે. જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે.
અલ્પેશ કથીરિયા અને તેમના સાથીઓના આક્ષેપો બાદ પ્રથમ વખત જયરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ આવ્યા હતા. જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, બહારથી આવેલા લોકો ગોંડલમાં બદનામ કરી રહ્યા છે. ગોંડલમાં પાટીદાર સમાજ કોઈ ભયમાં છે જ નહીં. ગોંડલના તમામ પાટીદારો અમારી સાથે છે કોઈ જ ભય નથી. ગોંડલમાં 2027 ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં. ટિકિટ આપવાનું કામ હાઈ-કમાન્ડનું છે મારું નથી. આ બાબતે હાઈકમાન્ડને હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરીશ. ગોંડલના પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ મારી સાથે છે.
ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગોંડલની જનતાએ અલ્પેશ કથીરિયાને જવાબ આપી દીધો છે. ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો છે. ગીતા બા જાડેજા અને ગણેશ જાડેજાના બંગલાની બહાર લોકોએ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા છે.
