સુરત: સાંસદોને મોંઘવારી નડે તો રત્ન કલાકારોને શું એ માસી થાય છે ? રત્નદીપ યોજના જાહેર કરો, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવો, અમને ન્યાય આપો… જેવા વિવિધ બેનર સાથે સુરતમાં આજે રત્નકલાકારોએ હડતાળ પાડીને રેલી કાઢી હતી. રેલી કતારગામથી હીરાબાગ સર્કલ પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા હતા.
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામુહિક હડતાળની જાહેરાત કરાઈ હતી. જેને પગલે કલેકટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી, પણ સરકાર તરફથી બ કોઇ નિર્ણય નહી લેવાતા તા.30 અને 31 એમ બે દિવસ હડતાળનો નિર્ણય લેવાયો છે. આજે રવિવારે કતારગામથી હીરાબાગ સુધી રત્નકલાકારોની રેલી યોજાઈ હતી. કતારગામ દરવાજા ખાતેથી રેલી નીકળી હતી. પોલીસે રેલી પહેલાં જ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રત્ન કલાકારોની મુખ્ય માંગણીઓમાં 30% પગાર વધારો, આપઘાત કરનારા રત્ન કલાકારોના પરિવારોને આર્થિક પેકેજ, વ્યાજ માફી અને ઉદ્યોગની મંદીમાંથી બહાર નીકળવા માટે નક્કર પગલાં લેવાનો સમાવેશ થાય છે.
રેલી દરમિયાન મીની બજાર ખાતે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. રત્નકલાકારોનો રોષ હતો કે શેઠિયાઓ કરોડપતિ બની રહ્યા છે, જ્યારે કારીગરો રોડપતિ બન્યા છે. અત્યાર સુધી શેઠિયાઓને ખુબ કમાણી કરાવી હવે શેઠિયાઓનો વારો આવ્યો ત્યારે સૌ મૂંગા મંતર થઈ ગયા છે.

સુરતમાં સુરત ડાયમંડ એસોસિએશન અને જી.જે.ઇ.પી.સી. નામે બે મોટી સંસ્થા છે. એમના તરફથી સરકાર સમક્ષ રત્નકલાકારોની સમસ્યાઓનો યોગ્ય સ્તરે અને યોગ્ય રીતે ઉકેલ આવે એવા કોઇ પગલા ભરાયા નથી. જેના કારણે એના પ્રત્યે પણ રત્નકલાકારોમાં નારાજગી છે.
(અરવિંદ ગોંડલિયા-સુરત)




