ટ્રમ્પના ટેરિફની ધમકી વચ્ચે Q1માં 7.8 ટકા GDP વૃદ્ધિદર

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રનું જોરદાર પ્રદર્શન કર્યું છે.  નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં GDP ગ્રોથ રેથમાં 7.8 ટકા રહ્યો છે. અર્થતંત્રનો આ ગ્રોથ એવા સમયે આવ્યો છે, જ્યારે એપ્રિલથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પર ટેરિફ લગાવવાની ધમકી આપતા આવ્યા છે.

આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ સમયગાળા દરમિયાન દેશનો કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 7.8 ટકાની દરે વધ્યો છે. ગયા વર્ષે આ જ ત્રિમાસિકમાં નોંધાયેલા 6.5 ટકાની વૃદ્ધિથી ઘણો વધારે છે. આ ડેટા RBIના 6.5 ટકાના અંદાજથી પણ વધુ છે.

માર્ચ ત્રિમાસિકમાં પણ રહી તેજી

આ પહેલાં નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ)માં પણ અર્થતંત્રે જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ સમયગાળામાં GDPમાં 7.4 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધા હતી, જે ડિસેમ્બર ત્રિમાસિકના સુધારેલા 6.4 ટકાની સરખામણીએ વધારે હતી. આ વૃદ્ધિ બજારના 6.7 ટકાના અંદાજથી પણ ઉપર હતી અને આખા નાણાકીય વર્ષમાં સૌથી ઝડપી રહી. આ તેજીના પાછળ ખોરાક અને ઊર્જાની કિંમતોમાં ઘટાડો, વ્યાજદરોમાં નરમાઈ અને મૂડીરોકાણમાં વધારો જેવાં કારણો રહ્યાં છે. ભારતની નિકાસ પર ઓછી નિર્ભરતાએ તેને વૈશ્વિક વેપારના પડકારોથી પણ બચાવ્યું. આ ત્રિમાસિકમાં સ્થિર મૂડીરોકાણ (ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન)માં 9.4 ટકાનો ઉછાળો આવ્યો, જે લગભગ બે વર્ષમાં સૌથી વધુ હતો. બીજી તરફ ખાનગી વપરાશમાં પણ છ ટકાનો વધારો થયો.

આ સમયગાળામાં નિકાસ 3.9 ટકા વધી હતી, જ્યારે આયાતમાં 12.7 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે GDP વૃદ્ધિ પર સકારાત્મક અસર પડી. RBIએ FY26 માટે પોતાના 6.5 ટકાના GDP વૃદ્ધિના અંદાજને યથાવત્ રાખ્યો છે. તેના પાછળ મજબૂત ઘરેલુ માગ, સરકારી મૂડીગત ખર્ચ અને ગ્રામ્ય વપરાશમાં સુધારો જેવાં કારણો છે. RBIના ત્રિમાસિક અંદાજ આ પ્રમાણે છે: Q1 FY26માં 6.5%, Q2માં 6.7%, Q3માં 6.6% અને Q4માં 6.3%. આખા વર્ષ માટે 6.5% વૃદ્ધિનો અંદાજ છે.