GBUના વિદ્યાર્થીઓએ ગર્ભાશયમાં ગર્ભ ટકાવી રાખનારી mRNA ટેકનોલોજી વિકસાવી

ગાંધીનગર: ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU)ના વિદ્યાર્થીઓએ તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. નિઃસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ ગણાતી આઈ.વી.એફ. (IVF) પદ્ધતિમાં વારંવાર મળતી નિષ્ફળતાને રોકવા માટે આ વિદ્યાર્થીઓએ mRNA-આધારિત એક અદ્યતન થેરાપી વિકસાવી છે. આ નવતર સંશોધન બદલ અમદાવાદ સ્થિત વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) દ્વારા આજે આયોજિત ‘WAAH સાયન્સ લોરિએટ એવોર્ડ્સ ૨૦૨૫’માં ‘યંગ લોરિએટ’ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ ટીમમાં ટીમ લીડર તરીકે પ્લાન્ટ બાયોટેકનોલોજીના અરિન જૈન તેમજ મેડિકલ બાયોટેકનોલોજીની સંસ્કૃતિ તથા મેડિકલ બાયોટેકનોલોજીના ભૂતપૂર્વ વિદ્યાર્થિની શુભાંગી ઝાનો સમાવેશ થાય છે.

શું છે સમસ્યા અને કેવી રીતે ભવિષ્યમાં ઉકેલ આવશે ?

આજકાલ અનેક દંપતીઓ ગર્ભધારણ માટે IVF જેવી આધુનિક પ્રક્રિયાનો સહારો લે છે, પરંતુ આંકડા દર્શાવે છે કે પ્રથમ પ્રયાસમાં લગભગ ૪૦ થી ૫૦ ટકા કિસ્સાઓમાં નિષ્ફળતા મળે છે. તેનું મુખ્ય કારણ ‘રિકરન્ટ ઇમ્પ્લાન્ટેશન ફેલ્યોર’ (RIF) છે, જેમાં ભ્રૂણ ગર્ભાશયની દીવાલ સાથે સફળતાપૂર્વક જોડાઈ શકતું નથી. આ પડકારને પહોંચી વળવા GBUની ‘ટીમ ઇમ્મુનોસ્ટેટ’ એ એક ખાસ mRNA કન્સ્ટ્રક્ટ તૈયાર કર્યું છે. આ ટેકનોલોજી ગર્ભાશયના આંતરિક સ્તરો (Epithelial અને Stromal layers)ની સ્થિરતામાં નોંધપાત્ર વધારો કરશે અને તેને ગર્ભ ધારણ કરવા માટે વધુ સક્ષમ બનાવશે. આ ક્રાંતિકારી થેરાપીના ઉપયોગથી ભવિષ્યમાં IVFના સફળતાના દરમાં મોટો બદલાવ આવશે તેવી પ્રબળ આશા સેવાઈ રહી છે.

‘સાયન્સ ફોર સોસાયટી’: રાષ્ટ્રીય ફલક પર GBUનો ડંકો
VASCSC દ્વારા આયોજિત સ્પર્ધા ‘સાયન્સ ફોર સોસાયટી’ થીમ પર આધારિત હતી, જેમાં દેશભરની અનેક ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. GBUની ટીમે સાબિત કર્યું કે વિજ્ઞાનનો સાચો ઉપયોગ જનસામાન્યની વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા માટે થવો જોઈએ. આ સિદ્ધિ બદલ ટીમને રૂ.૫૦,૦૦૦ની સ્કોલરશિપ અને યંગ લોરિએટ એવોર્ડ એનાયત કરાયો. જ્યારે ડો રોહિણી નાયરને પણ રૂ. ૧૫,૦૦૦/-ની ફેલોશિપ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું.

ટીમ ‘ઇમ્મુનોસ્ટેટ’ને મેડિકલ બાયોટેકનોલોજીના પ્રોફેસર ડૉ. રોહિણી આર. નાયર દ્વારા મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડૉ. નાયર પોતે સંશોધન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. તેઓ પ્રતિષ્ઠિત ‘મેરી-ક્યુરી કો-ઇન્વેસ્ટ ફેલોશિપ’ (Marie-Curie Co-Invest Fellowship) અને ‘રામલિંગસ્વામી રી-એન્ટ્રી ફેલોશિપ’ મેળવી ચૂક્યા છે.તાજેતરમાં જ તેમને ‘ગેટ્સ ફાઉન્ડેશન ઇન્ડિયા’ (Gates Foundation India) તરફથી મહત્વપૂર્ણ સંશોધન ગ્રાન્ટ પણ પ્રાપ્ત થઈ છે. ડૉ. રોહિણી નાયરે આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ એવોર્ડ યુનિવર્સિટીમાં વિકસતી મજબૂત સંશોધન સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓની બાયોમેડિકલ ક્ષેત્રમાં નવીન અને અસરકારક ઉકેલો રજૂ કરવાની ઉત્કૃષ્ટ ક્ષમતા દર્શાવે છે.

વિકસિત ભારત @ ૨૦૪૭ અને BioE3 નીતિને વેગ

વિદ્યાર્થીઓની આ સિદ્ધિ ભારત સરકારની નવી BioE3 નીતિ (Biotechnology for Economy, Employment and Environment)ના ઉદ્દેશો સાથે સુસંગત છે. સંસ્થાના નાયબ કુલસચિવ અને એકેડમિક વિભાગના વહીવટી વડા  વિમલ શાહે આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આખા ગુજરાતમાં GBU એકમાત્ર યુનિવર્સિટી છે જ્યાં ભારતના ૧૭ રાજ્યમાંથી વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સંશોધન કરવા માટે માસ્ટર્સ ડિગ્રી કરવા આવે છે અને આ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ઇન્ડસ્ટ્રી અને સોસાયટીને મદદરૂપ થઇ શકે એવા સંશોધનો માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તાજેતરમાં યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ થયેલ એક વિદ્યાર્થીને અમેરિકાની પ્રતિષ્ઠિત જ્યોર્જિયા યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટે રૂ. એક કરોડની ફેલોશીપ મળેલ છે જે યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે.

પ્રોડક્ટ-ઓરિએન્ટેડ સંશોધન દ્વારા ભવિષ્ય માટે બાયોટેક વ્યાવસાયિકો તૈયાર કરવા ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU) એ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત, વિશ્વની પ્રથમ સમર્પિત બાયોટેકનોલોજી યુનિવર્સિટી છે. GIFT સિટી પાસે ૨૩ એકરમાં ફેલાયેલી આ યુનિવર્સિટી સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથેના સહયોગથી શરૂ કરવામાં આવી છે.