ગૌરી વ્રત માટેના લીલાંછમ જવારા બજારમાં આવી ગયા

અમદાવાદ: અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી અગિયારસના દિવસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. નાની બાળાઓ આ વ્રત કરી અલૂણા ઉપવાસ કરે છે. આ વ્રતમાં સતત પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠા વગરનું ભોજન ગ્રહણ કરે છે. 

  • ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમે કન્યાઓ સાત પ્રકારના ધાન જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત લઇ છાબડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે. પરિવારના સભ્યો જવારા ઉગાડવામાં મદદ કરે છે. છાણીયું ખાતર નાંખેલી માટીમાં એક છાબમાં જવારા વાવવામાં આવે છે. એનો સારી રીતે ઉછેર થાય એ માટે રોજ જળનું સિંચન કરાય છે.
  • અષાઢી અગિયારસ સુધી સુંદર છાબડામાં જવારા તૈયાર થઇ જાય છે.
  • વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી અગિયારસથી ભગવાન શંકરને યાદ કરી એ જવારાની રૂ-કંકુ-ચોખા પૂજાપા સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે.

  • કન્યાઓ ધાન્યનું, ખેતીનું મહત્વ સમજે તે દૃષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે.
  • જુવારનું ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક રીતે આરોગ્ય સંબંધિત મહત્વ ઘણું છે.
  • ગૌરી વ્રતનો છેલ્લો દિવસ એટલે કે પૂનમે ઉપવાસ કરતી બાળાઓ જાગરણ કરે છે.
  • સમગ્ર અમદાવાદ શહેરના માર્ગો પર મંડપો, લારી, ખૂમચાઓ પર એકદમ લીલાછમ જવારા, બાળાઓને પૂજા ઉપવાસ દરમિયાન જરૂરી સામગ્રી ઠેર-ઠેર જોવા મળી રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)