ભાગેડુ મેહુલ ચોકસીને લાવવામાં આવશે ભારત

નવી દિલ્હીઃ બેલ્જિયમની એક અદાલતે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને ભારત હવાલે કરવાની મંજૂરી આપી છે. એન્ટવર્પની કોર્ટે નિર્ણય આપ્યો કે ભારતની વિનંતી પર બેલ્જિયમ પોલીસે ચોકસીની કરેલી ધરપકડ કાયદેસર છે. ચોકસીને આ આદેશ સામે આગામી 15 દિવસમાં બેલ્જિયમ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો હક છે. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આ નિર્ણય આપ્યો હતો. ચોકસીની એન્ટવર્પ પોલીસે 11 એપ્રિલે ધરપકડ કરી હતી અને તે છેલ્લા ચાર મહિનાથી જેલમાં છે. બેલ્જિયમની અદાલતે તેની અનેક જામીન અરજી ફગાવી દીધી હતી.

બેલ્જિયમ કોર્ટ કેમ થઈ પ્રત્યાર્પણ માટે રાજી?

ભારતે 66 વર્ષીય ચોકસી પર છેતરપિંડી, ષડયંત્ર, પુરાવા નષ્ટ કરવાનો અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે, જે ભારતીય દંડ સંહિતાની કલમ 120બી, 201, 409, 420 અને 477એ તેમ જ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 13 હેઠળ આવે છે. આ ગુનાઓ બેલ્જિયમના કાયદા હેઠળ પણ દંડનીય છે, એટલે દ્વિ-અપરાધિકતાની શરત પૂરી થાય છે.

ભારતે પોતાના કેસને મજબૂત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરારનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે સંયુક્ત રાષ્ટ્રનો ટ્રાન્સનેશનલ સંગઠિત અપરાધો સામેનો કરાર (UNTOC) અને સંયુક્ત રાષ્ટ્રનો ભ્રષ્ટાચાર વિરુદ્ધનો કરાર (UNCAC). CBIએ પુરાવા રજૂ કરવા માટે ત્રણ વાર બેલ્જિયમની મુલાકાત લીધી હતી અને મદદ માટે યુરોપની એક ખાનગી કાનૂની કંપનીને પણ નિયુક્ત કરી હતી.

 ચોકસીએ બચવા માટે કરી અનેક કોશિશો

ભારતનું કહેવું છે કે ચોકસી હજી પણ ભારતીય નાગરિક છે અને એન્ટિગુઆની નાગરિકતા હોવાના તેના દાવાનો ભારતે વિરોધ કર્યો છે. ચોકસીએ કોર્ટને જણાવ્યું હતું કે તેણે 14 ડિસેમ્બર, 2018એ ભારતીય નાગરિકતા છોડી દીધી હતી અને 16 નવેમ્બર, 2017એ એન્ટિગુઆની નાગરિકતા મેળવી હતી.

ભારતે 2018થી 2022 વચ્ચે થયેલી રૂ. 13,000 કરોડની બેંક છેતરપિંડીના પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે સ્વીકાર્યું હતું કે ચોકસી ખરેખર ભાગી જવાની સંભાવના ધરાવે છે, એટલે તેની ધરપકડ યોગ્ય છે.