નવી દિલ્હીઃ ભારત અને ઓમાને મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ ઓમાનમાં ભારતના 98 ટકા નિકાસને ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે, જેમાં કાપડ, કૃષિ અને ચામડાંનાં ઉત્પાદનો સામેલ છે. બીજી તરફ ઓમાનમાંથી આવતા ખજૂર, માર્બલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર ભારત શૂલ્કમાં ઘટાડો કરશે. આ સમજૂતી આગામી નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકી (Q1FY27)થી અમલમાં આવવાની શક્યતા છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે ભારતને તેના સૌથી મોટા નિકાસ બજાર અમેરિકાથી 50 ટકા સુધીના ઊંચા ટેરિફનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમજૂતી પર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે અને ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રોત્સાહન મંત્રી કૈસ બિન મહમ્મદ અલ યુસુફે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા.
98 ટકા ટેરિફ લાઇન પર ઓમાનની ઝીરો-ડ્યુટી ઓફર
ઓમાને તેની 98 ટકા કરતાં વધુ ટેરિફ લાઇન્સ (અથવા ઉત્પાદન શ્રેણીઓ) પર શૂન્ય શુલ્કની ઓફર કરી છે, જેને કારણે ઓમાનમાં ભારતની કુલ નિકાસના 99.38 ટકા ભાગને આવરી લેવામાં આવશે. આથી રત્ન અને આભૂષણ, કાપડ, ચામડાં, ફૂટવેર, રમતોનો સામાન, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ ઉત્પાદનો, એન્જિનિયરિંગ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઇસિસ અને ઓટોમોબાઇલ જેવાં તમામ મુખ્ય શ્રમ-આધારિત ક્ષેત્રોને સંપૂર્ણ ટેરિફ છૂટ મળશે. આમાંથી 97.96 ટકા ઉત્પાદન શ્રેણીઓ પર તરત જ ટેરિફ હટાવી દેવામાં આવશે.
Under the leadership of PM @narendramodi ji, India and Oman have inked a landmark Free Trade Agreement (FTA), delivering zero-tariff access across several labour-intensive and manufacturing sectors.
The agreement provides significant benefits to sectors such as gems and… pic.twitter.com/dbP2S3MRFV
— Dept of Commerce, GoI (@DoC_GoI) December 18, 2025
ભારત તરફથી પણ શૂલ્કમાં રાહત
ભારત તેની કુલ 12,556 ટેરિફ લાઇન્સમાંથી 77.79 ટકા પર શૂલ્કમાં રાહત આપશે, જે મૂલ્યની દ્રષ્ટિએ ઓમાનમાંથી ભારતના 94.81 ટકા આયાતને આવરી લે છે. ઓમાનના નિકાસ હિતવાળા અને ભારત માટે સંવેદનશીલ ઉત્પાદનો—જેમ કે ખજૂર, માર્બલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો—માટે ભારતે ટેરિફ-રેટ ક્વોટા (TRQ) આધારિત રિયાયત આપવાની ઓફર કરી છે.
સંવેદનશીલ ઉત્પાદનો FTAથી બહાર
ભારતે પોતાનાં હિતોની રક્ષા માટે કેટલાંક સંવેદનશીલ ઉત્પાદનોને આ સમજૂતીમાંથી બહાર રાખ્યાં છે. તેમાં કૃષિ ઉત્પાદનો (ડેરી, ચા, કોફી, રબર, તમાકુ), સોનું-ચાંદીના બુલિયન, આભૂષણ, ફૂટવેર, રમતોનો સામાન અને ઘણા બેઝ મેટલ્સનો સ્ક્રેપ સામેલ છે. હાલ ઓમાનમાં શ્રમ-આધારિત ઉત્પાદનો પર આશરે પાંચ ટકા આયાત શૂલ્ક લાગે છે.




