દિલ્હીમાં ચાર માળની ઇમારત ધ્વસ્તઃ અનેક લોકો દટાયેલા હોવાની આશંકા

નવી દિલ્હીઃ સીલમપુર વિસ્તારમાં એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ બિલ્ડિંગના કાટમાળમાં ઓછામાં ઓછા 12 લોકો દટાયેલા હોવાની આશંકા છે. આ પહેલાં દિલ્હીના મુસ્તફાબાદમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. હાલ તો ઈમારત કયા કારણસર ધરાશાયી થઈ, એ સ્પષ્ટ થયું નથી, અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવી લેવાયા છે અને રાહત કાર્ય હજુ ચાલુ છે.

રાજધાનીના વેલકમ વિસ્તારમાં ઘટના બની છે જ્યાં ઘણી સાંકડી ગલીઓ હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. હાલમાં ઘટનાસ્થળે પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર ઉપરાંત અગ્નિશામક દળની સાત ગાડીઓ હાજર છે. આ ઘટના સવારે સાત વાગ્યે આસપાસ બની હતી, ત્યાર બાદ તરત જ રેસ્ક્યુ ટીમને મોકલવામાં આવી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સત્તાવાળાઓ શક્ય તેટલી ઝડપે બચાવ કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પહેલાં જૂની દિલ્હીના સદર બજારના મીઠાઈ પુલ વિસ્તારમાં ગુરુવાર અને શુક્રવારની વચ્ચે રાત્રે લગભગ બે વાગ્યે ત્રણ ઈમારતો ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના જનકપુરી પશ્ચિમથી આર.કે. આશ્રમ માર્ગ સુધી બની રહેલી મેટ્રોની નવી ટનલના નજીકમાં બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને (DMRCએ) ઘટનાને ગંભીરતાથી લઈ મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય રકમ આપવાનું જાહેર કર્યું હતું.

મુસ્તફાબાદ સ્થિત દયાલપુર વિસ્તારમાં પણ એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. તે દુર્ઘટનામાં પણ ચાર લોકોનાં મોત થયાં હતાં.