શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘેની ધરપકડ

નવી દિલ્હીઃ શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘેની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. શ્રીલંકાના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ તેમને સરકારી નાણાંના ચાંઉ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. વિક્રમસિંઘે પર આરોપ છે કે તેમણે ખાનગી વિદેશ પ્રવાસમાં સરકારના પૈસા ખર્ચ્યા હતા.

વિક્રમસિંઘની શા માટે ધરપકડ?

વિક્રમસિંઘે પર આરોપ છે કે સપ્ટેમ્બર, 2023માં તેઓ જ્યારે લંડન પ્રવાસે ગયા હતા, ત્યારે તેમણે ત્યાં સરકારી ફંડનો ઉપયોગ કર્યો હતો। હકીકતમાં, તેઓ લંડન પ્રવાસે પોતાની પત્નીને બ્રિટિશ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા સન્માન કાર્યક્રમમાં જોડાવા ગયા હતા, પરંતુ હવે એ જ પ્રવાસને લઈને તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.

પોલીસે વિક્રમસિંઘે પર કયા આરોપ મૂક્યા?

પોલીસનો આક્ષેપ છે કે રાનીલ વિક્રમસિંઘે માત્ર પોતાના ખાનગી પ્રવાસ માટે જ નહીં, પરંતુ પોતાના બોડીગાર્ડનો ખર્ચ પણ સરકારના ખજાનામાંથી કર્યો હતો. આ જ મામલામાં શુક્રવારે તેઓ CIDના કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાનું નિવેદન પણ નોંધાવ્યું હતું, પરંતુ પોલીસ તેમના જવાબથી સંતોષ ના થયો, જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

વિક્રમસિંઘે ક્યારે બન્યા હતા શ્રીલંકાના રાષ્ટ્રપતિ?

વિક્રમસિંઘે 2022માં શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા હતા અને 2024 સુધી તે પદ પર રહ્યા હતા. ગયા વર્ષે તેમણે ફરી ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. એવું માનવામાં આવે છે કે વિક્રમસિંઘેએ અભૂતપૂર્વ આર્થિક સંકટ દરમિયાન દેશનું નેતૃત્વ કર્યું હતું. તેમણે આર્થિક સુધારાઓ લાવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)માંથી રાહત પેકેજ મેળવ્યું હતું.