ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલની IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરપદે નિમણૂક  

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે RBIના ભૂતપૂર્વ ગવર્નર ડો. ઉર્જિત પટેલને ત્રણ વર્ષ માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં કાર્યકારી નિર્દેશક (Executive Director) તરીકે નિમણૂક કરવાની મંજૂરી આપી છે. પટેલે 2016માં રઘુરામ રાજન પછી RBIના 24મા ગવર્નર તરીકે પદ સંભાળ્યું હતું. તેમના કાર્યકાળમાં જ સરકારે નોટબંધી જેવી મોટી જાહેરાત કરી હતી.

વર્ષ 2018માં તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી દીધું હતું, જેને કારણે તેઓ પહેલા એવા ગવર્નર બન્યા હતા, જેમણે વ્યક્તિગત કારણોસર પદ છોડ્યું હતું અને 1992 બાદ સૌથી ઓછો કાર્યકાળ ધરાવનાર RBI ગવર્નર બન્યા હતા. ઉર્જિત પટેલની રિપોર્ટને આધારે જ સરકારે નોટબંધીનો નિર્ણય લીધો હતો.

મોંઘવારી અંગે મોટો નિર્ણય

ઉર્જિત પટેલના કાર્યકાળમાં બીજો એક મોટો નિર્ણય મોંઘવારી નિયંત્રણને લઈને લેવામાં આવ્યો હતો. તેમણે RBI માટે મોંઘવારી દરની મર્યાદા નક્કી કરી હતી. RBIના ગવર્નર બનતાં પહેલાં ઉર્જિત પટેલે ડેપ્યુટી ગવર્નર તરીકે કામ કર્યું હતું. તેમણે મોનિટરી પોલિસી, આર્થિક નીતિ સંશોધન, આંકડાશાસ્ત્ર અને માહિતી વ્યવસ્થાપન, થાપણ વીમા, સંચાર અને માહિતીના અધિકાર જેવા વિભાગોનું સંચાલન કર્યું હતું.પટેલ આ પહેલાં પાંચ વર્ષ સુધી IMFમાં પણ કામ કરી ચૂક્યા છે. પહેલા વોશિંગ્ટન ડી.સી.માં અને ત્યાર બાદ 1992માં ન્યુ દિલ્હીમાં IMFના ઉપ-સ્થાનિક પ્રતિનિધિ તરીકે આવ્યા હતા. ઉર્જિત પટેલ 1998થી 2001 સુધી નાણાં મંત્રાલયમાં સલાહકાર રહ્યા હતા. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IDFC લિમિટેડ, MCX લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી જાહેર અને ખાનગી કંપનીઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.


યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી

પટેલે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધિ મેળવી હતી અને 1986માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ. પ્રાપ્ત કર્યું હતું. 1990માં તેમણે યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ તેઓ IMFનો ભાગ બન્યા હતા.