નવી દિલ્હી: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર રવિવારે બહેરીનના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. પ્રવાસનો પ્રારંભ તેમણે મનામાના ઐતિહાસિક 200 વર્ષ જૂના શ્રીનાથજી મંદિરની મુલાકાત સાથે કર્યો હતો. આ મંદિર ભારતના બહેરીન સાથેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોનું પ્રતીક છે અને તે બંને દેશો વચ્ચેના ઇતિહાસ અને લોકો વચ્ચેના સંબંધોને ઉજાગર કરે છે.ડૉ. એસ. જયશંકરે બહેરીનના સમકક્ષ ડૉ. અબ્દુલ્લાતિફ બિન રાશિદ અલ ઝાયની સાથે ચોથા ભારત-બહેરીન ઉચ્ચ સંયુક્ત આયોગ (HJC)ના સહ-અધ્યક્ષ તરીકે 8 અને 9 ડિસેમ્બરે બહેરીનની મુલાકાત લીધી હતી. મંત્રી સ્તરીય બેઠકમાં ભારત-બહેરીન સંબંધોના તમામ પાસાંઓની સમીક્ષા કરવામાં આવી હતી અને વેપાર, રોકાણ, ઊર્જા, ટેક્નોલૉજી અને આરોગ્ય સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રીની બહેરીનની મુલાકાતનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ આ વર્ષના 20મા IISS મનામા સંવાદમાં ભાગ લેવાનો હતો. સંવાદનો વિષય હતો- ‘પ્રાદેશિક સમૃદ્ધિ અને સુરક્ષાને આકાર આપવા માટે મધ્ય પૂર્વ નેતૃત્વ’. સંવાદ પેનલમાં ડૉ. જયશંકર ઉપરાંત, બહેરીનના વિદેશ મંત્રી ડો. અલ ઝાયની અને ચેક રિપબ્લિકના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટૉમસ પોજર સામેલ હતા. મનામા સંવાદને સંબોધતા ડૉ. એસ. જયશંકરે આર્થિક સંબંધો, રાજકીય જોડાણ, કનેક્ટિવિટી પહેલ અને સુરક્ષા સહયોગ વધારવા માટે ભારતના પ્રયાસો પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત, વિદેશ મંત્રીએ ભારત અને બ્રિટન વચ્ચે બહુ-પરિમાણીય સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરવા માટે બ્રિટિશ શૅડો વિદેશ મંત્રી પ્રીતિ પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમણે એસ્ટોનિયાના વિદેશ મંત્રી માર્ગસ ત્સખ્ના સાથે બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોના અંગે પણ ચર્ચા કરી હતી. બહેરીનની આ મુલાકાત પહેલાં ડૉ. જયશંકરે કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીના આમંત્રણ પર કતારની બે દિવસની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દોહા ફોરમમાં ભાગ લીધો હતો.