ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં સર્જાયેલી સ્થિતિનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

ગુજરાતમાં વરસાદને કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયાં છે. મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. જેથી સ્થિતિનું રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સૌરાષ્ટ્રના ભારે વરસાદથી અસરગ્રસ્ત માંગરોળ, ગીર સોમનાથ, તલાલા અને માળિયા હાટીના તેમજ હિરણ ડેમ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ કરી તાગ મેળવ્યો છે.

સર્કિટ હાઉસ ખાતે રિવ્યુ મીટિંગ

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવને કારણે અનેક જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે. જેથી હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યા પછી મુખ્યમંત્રીજુનાગઢમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે સંબંધિત અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ પણ યોજવાના છે. જેમાં મુખ્ય સચિવ રાજકુમાર અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ મુખ્યમંત્રી સાથે જોડાશે.

છેલ્લા 4 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ

છેલ્લા 4 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 16 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં સાડા 3 ઈંચ વરસાદ થયો છે. જ્યારે કલ્યાણપુરમાં સવા 3 ઈંચ, પોરબંદરના રાણાવાવ અને માં પોણા જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં 9.1 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે પોરબંદરમાં 6.4 ઇંચ અને કેશોદમાં 6.1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ખંભાળીયા, માણાવદરમાં 5 ઇંચ, માંગરોળ, અબડામાં 5 ઇંચ વરસાદ, જામકંડોરણા, ધ્રોલ, જામજોધપુરમાં પોણાં પાંચ ઇંચ, કલ્યાણપુર, મહુવા, ધોલેરા, વંથલીમાં, ઉપલેટામાં 4 ઇંચ, અમરેલી, કોટડા સાંગાણી 3.5 ઇંચ, ભચાઉ, ધોરાજી, ખંભાત, ગોંડલ, માળીયા હાટીના 3 ઇંચ અને મેંદરડા, સિંહોરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે.