અજમેર દરગાહમાં મંદિરનો દાવો કરનાર વિષ્ણુ ગુપ્તા પર ફાયરિંગ

નવી દિલ્હીઃ અજમેરની દરગાહમાં હિંદુ મંદિર વિવાદથી જોડાયેલા મામલામાં અરજીકર્તા અને હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર ફાયરિંગ થયું છે. અહેવાલ છે કે તેમની કાર પર ગોળીબાર કરવામાં  આવ્યો હતો. વિષ્ણુ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે બે બાઈકસવાર અજાણ્યા બદમાશોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં વિષ્ણુ ગુપ્તાને કોઈ ઈજા પહોંચી નથી. SP વંદિતા રાણા સહિત અધિકારીઓ ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ગુપ્તાએ કહ્યું હતું કે હું અજમેરથી દિલ્હી આવી રહ્યો હતો. એ દરમિયાન બાઇક પર સવાર બે શખસોએ તેમની કાર પર ગોળીબાર કર્યો. આ પછી આરોપીઓ ભાગી ગયા હતા. પોલીસ હુમલાખોરોની ઓળખ કરવા ઘટના સ્થળની આસપાસ લગાવેલા CCTV ફુટેજની તપાસ કરી રહી છે. FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે, આ મામલાની તપાસ કરી રહી છે.

ગુપ્તાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું  કે હું દિલ્હી તરફ જઈ રહ્યો હતો, ત્યારે બે બાઇકસવારોએ મારી કાર પર ગોળીબાર કરતાં મેં ડ્રાઇવરને કારની સ્પીડ વધારવા કહ્યું હતું. આ એક અજમેર દરગાહ કેસ ચલાવવાથી મને રોકવા માટે આ એક સુનિયોજિત કાવતરું છે. આ પહેલાં પણ મને કેસ પાછો ખેંચવાની ધમકીઓ મળી હતી, પણ હું ડરવાનો નથી.

અજમેરના પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમણે કાર પર ગોળીબાર થયાની ફરિયાદ નોંધાવી છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. ગુપ્તાએ અજમેર દરગાહમાં હિંદુ મંદિર હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ અંગે કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે.