ધોળકાના ઈંગોલીમાં ક્રિકેટ રમતા બે જૂથ વચ્ચે બબાલમાં ફાયરિંગ

અમદાવાદ: ધોળકા તાલુકાના ઈંગોલી ગામે રવિવારે નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું. રજાના દિવસે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે તકરાર થઈ હતી. સામાન્ય બોલાચાલીએ હિંસકસ્વરૂપ ધારણ કરતા જાહેરમાં ફાયરિંગની ઘટના બની. જેના કારણે સમગ્ર પંથકમાં ભય માહોલ ફેલાયો હતો.ઈંગોલી ગામે એક જ કોમના બે જૂથના યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. રમત દરમિયાન કોઈ બાબતે તકરાર થતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ બબાલ એટલી વધી ગઈ કે ઉશ્કેરાયેલા વહિદખાન મજીદખાન પઠાણ નામના વ્યક્તિએ તેની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં થયેલા ફાયરિંગને પગલે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ધોળકા ડિવિઝનના Dy.S.P., ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ભોગ બનનાર પક્ષ દ્વારા ધોળકા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર વહિદખાન પઠાણ પાસે રિવોલ્વરનું માન્ય લાયસન્સ છે કે નહીં? જો લાયસન્સ હોય, તો કાયદાનો ભંગ કરીને જાહેરમાં હથિયારનો ઉપયોગ કરવા બદલ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જો હથિયાર ગેરકાયદે હોય, તો તે ક્યાંથી લાવવામાં આવ્યું તે અંગેની પૂછપરછ કરાશે. હાલ ધોળકા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.