નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા અને સરકારી કામમાં અડચણ ઊભી કરવાના આરોપસર FIR નોંધાવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસના અન્ય અનેક નેતાઓ ઉપરાંત પ્રદર્શનમાં ભાગ લેનારા પક્ષના કાર્યકરો સામે પણ FIR નોંધવામાં આવી છે.
આ મામલો બુધવારે (૭ ઓક્ટોબર) દિલ્હીમાં કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાઓને લઈને નોંધવામાં આવ્યો છે. પોલીસ આક્ષેપો અને તેમાં સામેલ લોકોની ભૂમિકાની તપાસ કરી રહી છે.
૯૧ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા
પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શન દરમિયાન કુલ ૯૧ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા, તેમાં અનેક સાંસદો અને નેતાઓનો સમાવેશ થાય છે. વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ના નેતાઓના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ રાહુલ ગાંધીએ કર્યું હતું. ત્યાર બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત અનેક સાંસદોને પોલીસે અટકાયતમાં લીધા હતા. જનપથ સ્થિત દક્ષિણ ભારતીય શાકાહારી રેસ્ટોરાંમાં બપોરનું ભોજન લીધા બાદ વિપક્ષી નેતાઓ બસમાં બેસીને અચાનક જંતર-મંતર પર ધરણાં કરવા જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે તેમને રસ્તામાં રોકી દીધા હતા. તેને કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
જ્ઞાનેશકુમાર સામે વિરોધ પ્રદર્શન
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિપક્ષી સભ્યો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. એ દરમિયાન પ્રિયંકા ગાંધી અને અન્ય મહિલા નેતાઓ હાથમાં બંધારણની નકલ લઈને રસ્તા પર સૂઈ ગયાં હતાં. પોલીસે તેમને બળજબરીથી હટાવીને બસોમાં બેસાડ્યાં હતાં. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા), રાષ્ટ્રીય જનતા દળ અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિતના પક્ષોના સાંસદો સામેલ થયા હતા.
Delhi Police has registered three FIRs in connection with yesterday’s protest. The FIR details also name Lok Sabha LoP Rahul Gandhi and Congress MP Priyanka Gandhi Vadra: Delhi Police Sources https://t.co/sk7OER4D37
— IANS (@ians_india) October 8, 2026
મારામારીના વિડિયો તપાસી રહી છે દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસ જંતર-મંતર નજીક કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન મહિલા પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓ સાથે કથિત મારામારી કરવામાં આવી હોવાના અનેક વિડિયોની તપાસ કરી રહી છે. પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તહેનાત પોલીસ કર્મચારીઓ સાથે કથિત રીતે હાથાપાઈ કરનારા અથવા તેમની કામગીરીમાં અવરોધ ઊભો કરનારા લોકોની ઓળખ કરવા માટે પોલીસ અન્ય સ્ત્રોતોમાંથી મળેલા વિડિયો ફુટેજની પણ તપાસ કરી રહી છે.




