મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી તાજેતરમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસને લઈને સમાચારમાં હતી. આ કેસમાં સીબીઆઈએ રિયાને ક્લીનચીટ આપી દીધી છે. છેલ્લા 4 વર્ષથી પેન્ડિંગ રહેલા આ કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રિયા ખુશ હતી, પરંતુ હવે તેની મુશ્કેલીઓ ફરી વધવા લાગી છે. રિયા વિરુદ્ધ બીજા એક કેસમાં FIR નોંધવામાં આવી છે.મુંબઈ પોલીસે આ માહિતી આપી છે.
સેલિબ્રિટી મેનેજર દિશા સલિયનનું વર્ષ 2020માં અવસાન થયું હતું. આ અંગે ઘણો હોબાળો થયો હતો. હવે 4 વર્ષ પછી દિશાના પિતાએ મંગળવારે આ જ કેસમાં પોલીસ કમિશનર અને જોઈન્ટ કમિશનરને લેખિત ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આ ફરિયાદમાં આદિત્ય ઠાકરે, દૂની મૌર્ય, સૂરજ પંચોલી, પરમબીર સિંહ, સચિન વાઝે અને રિયા ચક્રવર્તીને આરોપી બનાવવામાં આવ્યા છે.
વકીલે ગંભીર આરોપ લગાવ્યા
દિશા સલિયાનના પિતા સતીશ સલિયાનના વકીલ નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે,’આજે અમે સીપી ઓફિસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને જેસીપી ક્રાઇમે તેને સ્વીકારી લીધી છે. આ ફરિયાદ હવે એક FIR છે જેમાં આરોપીઓ આદિત્ય ઠાકરે, ડીનો મોરિયા, સૂરજ પંચોલી અને તેમના અંગરક્ષકો, પરમ બીર સિંહ, સચિન વાઝે અને રિયા ચક્રવર્તી છે. આ મામલાને છુપાવવા પાછળ પરમબીર સિંહ મુખ્ય સૂત્રધાર હતો. તેમણે આદિત્ય ઠાકરેને બચાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી અને જુઠ્ઠાણા ફેલાવ્યા. બધી વિગતો FIR માં છે. NCB તપાસ પત્ર સાબિત કરે છે કે આદિત્ય ઠાકરે ડ્રગ્સના વેપારમાં સામેલ હતા, તે વિગતનો ઉલ્લેખ આ FIRમાં કરવામાં આવ્યો છે.’
દિશા સલિયન કોણ હતી?
દિશા સલિયન બોલિવૂડમાં સેલિબ્રિટી મેનેજર તરીકે કામ કરતી હતી. દિશાને સુશાંત સિંહ રાજપૂતની મેનેજર તરીકે પણ ઓળખવામાં આવે છે. દિશા સલિયનનું 2020 માં અવસાન થયું હતું. 8 જૂનના રોજ દિશા 14મા માળેથી પડી ગઈ અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પોલીસે આ કેસની તપાસ કરી અને તેને આત્મહત્યા ગણાવી. પરંતુ દિશાના પિતા સતીશ સલિયાને એક વખત આ અંગે ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં તેણે કહ્યું હતું કે મારી પુત્રી પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેને આયોજનબદ્ધ હત્યા ગણાવી હતી. હવે દિશાના પિતાએ ફરીથી આ જ મામલે FIR નોંધાવી છે. જેમાં રિયા ચક્રવર્તીનું નામ સામેલ છે. હવે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ક્લીનચીટ મેળવનાર રિયાની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે.
