મુંબઈઃ મુંબઈને ફરી એક વાર દહલાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. પોલીસે ધમકીભર્યો મેસેજ પ્રાપ્ત કર્યો છે. આ ધમકીભર્યો મેસેજ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર મોકલાયો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરમાં 34 ગાડીઓમાં આત્મઘાતી બેઠા છે અને ધડાકા બાદ આખું મુંબઈ હચમચી જશે. પોતાને “લશ્કર-એ-જહાદી” નામક સંગઠન ગણાવનાર વ્યક્તિએ આ મેસેજ દ્વારા લખ્યું છે કે 14 પાકિસ્તાની આતંકવાદી ભારતમાં પ્રવેશી ગયા છે. આ લોકો મુંબઈમાં વિસ્ફોટ કરવા ના ઇરાદે આવ્યા છે. આ મેસેજ બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ટ્રાફિક જોઇન્ટ સીપી અનિલ કંભારે એ જણાવ્યું કે ટ્રાફિક કન્ટ્રોલ વોટ્સએપ પર આવેલા ધમકીભર્યા મેસેજ અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
400 કિલો RDXથી વિસ્ફોટ કરવામાં આવશે
આ ધમકીમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 400 કિલો RDXથી મુંબઈમાં વિસ્ફોટ કરવામાં આવશે, જેને કારણે એક કરોડ લોકોના જીવ જઈ શકે છે. આ ધમકી બાદ મુંબઈ પોલીસ સંપૂર્ણ સતર્ક બની ગઈ છે અને શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે. મુંબઈ ભારતના સૌથી ઘનતાવાળા શહેરોમાંનું એક છે. આવી સ્થિતિમાં પોલીસ કોઈ પ્રકારની બેદરકારી નથી રાખી રહી. હાલ પોલીસ આ કેસની ખૂબ જ બારીકાઈથી તપાસ કરી રહી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે વોટ્સએપ નંબર પરથી આ મેસેજ મોકલાયો હતો તેને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મુંબઈ પોલીસ હંમેશા એલર્ટ પર રહે છે અને અમારી નજર દરેક વસ્તુ પર છે. લોકોને ગભરાવાની જરૂર નથી, સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અને બધું શાંતિપૂર્ણ છે. આવું પહેલીવાર નથી કે આવી ધમકી આપવામાં આવી છે.
