મુંબઈ: પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું નિધન થયું છે. એક સપ્તાહ પહેલા તેમની તબિયત ખૂબ જ ગંભીર બની જતાં તેમને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે તેમની તબિયત વધુ ગંભીર બની હતી, ત્યારબાદ તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી પીટીઆઈએ તેના મિત્ર અને વાંસળી વાદક રાકેશ ચૌરસિયાને ટાંકીને કહ્યું કે ઝાકિરને હૃદયની તકલીફને કારણે સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હતાં.
હુસૈનની નજીકના એક સૂત્રએ એજન્સીને જણાવ્યું કે 73 વર્ષીય સંગીતકાર બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત હતા. તેમણે કહ્યું,’હૃદય સંબંધિત સમસ્યાને કારણે છેલ્લા એક સપ્તાહથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ હતા.’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર લખ્યું કે, ‘વિશ્વ પ્રસિદ્ધ તબલા વાદક, પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈન જીનું અવસાન ખૂબ જ દુઃખદ છે અને સંગીત જગતને ન પૂરી શકાય તેવી ખોટ છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને શોકગ્રસ્ત ચાહકોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!’
અનેક સન્માન મેળવ્યા છે
ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ઉસ્તાદ અલ્લાહ રખાના પુત્ર છે. તેણે પિતાના માર્ગદર્શન હેઠળ ત્રણ વર્ષની ઉંમરે તબલા વગાડવાનું શીખવાનું શરૂ કર્યું. ઝાકિરે દુનિયાભરમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.