ઢાકા: બાંગ્લાદેશની આંતરિક સરકારે હટાવાયેલાં વડા પ્રધાન શેખ હસીનાને ફાંસી આપવાની તૈયારી કરી છે. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ન્યાયાધીકરણ (ICT-BD)એ ગુરુવારે જાહેરાત કરી હતી કે માનવતાવિરોધી ગુનાઓના કેસમાં હટાવાયેલાં વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધનો ચુકાદો 17 નવેમ્બરે આપશે. સરકારે હસીનાને મોતની સજા આપવાની માગ કરી છે.
અવામી લીગે હડતાળનું આહવાન કર્યું
ઢાકામાં કડક સુરક્ષા વચ્ચે હાજર એક પત્રકારે જણાવ્યું હતું કે ત્રણ ન્યાયાધીશો ધરાવતા ન્યાયાધીકરણે ચુકાદો આપવા માટે 17 નવેમ્બર નક્કી કરી છે. આ જાહેરાત પછી હસીનાની ભૂતપૂર્વ અવામી લીગ સરકારે ઢાકા બંધ (હડતાળ)નું આહવાન કર્યું, જેને કારણે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા તંગ બની ગઈ હતી.
હસીના સિવાય બીજા કોણ પર આવશે ચુકાદો
આ કેસમાં શેખ હસીના, હટાવાયેલા ગૃહ મંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલ અને તે સમયના પોલીસ મહાનિર્દેશક (IGP) ચૌધરી અબદુલ્લા અલ-મામૂન વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો હતો. હસીના અને કમાલ વિરુદ્ધ ગેરહાજરીમાં સુનાવણી થઈ અને તેમને ફરાર જાહેર કરવામાં આવ્યાં હતાં. ICT-BDના મુખ્ય અભિયોજક મહંમદ તાજુલ ઇસ્લામે આરોપીઓને મૃત્યુદંડ આપવાની માગ કરી હતી. ભૂતપૂર્વ પોલીસ વડા મામૂન અદાલતમાં હાજર રહ્યા અને કેસનો સામનો કર્યો, પરંતુ પછી તેઓ સરકારના સાક્ષી બની ગયા હતા. ચુકાદાની તારીખ નક્કી કરતી વખતે મામૂન કઠેડામાં ઊભા જોવા મળ્યા. ન્યાયાધીકરણે 28 કામકાજી દિવસોની સુનાવણી બાદ 23 ઓક્ટોબરે કેસ પૂર્ણ કર્યો. એ દરમિયાન 54 સાક્ષીઓએ અદાલતમાં સાક્ષી આપી હતી કે ગયા વર્ષે “જુલાઈ બળવો” નામના વિદ્યાર્થી આંદોલનને દબાવવા કેવી રીતે પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ચુકાદા પહેલાં હસીનાનું મોટું નિવેદન
હસીના પર ચુકાદો આવતાં પહેલાં બાંગ્લાદેશની યુનિવર્સિટીઓ સહિતના અનેક ખાનગી સંસ્થાઓએ હિંસાની શક્યતાને કારણે ઓનલાઈન કાર્ય ચાલુ રાખ્યું. હટાવાયેલાં વડા પ્રધાન હસીનાએ તાજેતરના ઇન્ટરવ્યુમાં ICT-BDને “કાંગારુ કોર્ટ” કહી હતી, જે તેમના રાજકીય વિરોધીઓ દ્વારા સંચાલિત હોવાનું કહ્યું. તેમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ, અહીં સુધી કે આંતરરાષ્ટ્રીય ગુના ન્યાયાલય (ICC)માં પણ કેસનો સામનો કરવા તૈયાર છું. તેમણે વર્તમાન સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે મેં યુનુસ સરકારને વારંવાર પડકાર આપ્યો છે કે જો તેઓ તેમના કેસ વિશે એટલા નિશ્ચિત છે, તો મારા પર ICCમાં કેસ ચલાવે.


