UPમાં સૌથી મોટી ફિલ્મ સિટી બનશેઃ CM યોગી આદિત્યનાથ

નવી દિલ્હીઃ ફિલ્મઉદ્યોગ આજકાલ બહુ ચર્ચાના ચકડોળે છે, હાલમાં રવિ કિશને બોલિવુડમાં ડ્રગ્સ સેવનનો મામલો સંસદમાં ઉઠાવ્યો હતો. એ પછી જયા બચ્ચને સંસદમાં કહ્યું હતું કે જે થાળીમાં ખાઓ, એ થાળીમાં છેદ ના કરો. બીજી બાજુ, કંગના રણોત મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. આવામાં ફિલ્મ ઉદ્યોગ માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રદેશમાં સૌથી મોટી ફિલ્મ સિટી બનાવવાની ઘોષણા કરી હતી. એના પર બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે એક પછી એક ટ્વીટ કરીને ઘણું બધું કહ્યું છે.

મનોજ તિવારીની પ્રતિક્રિયા

દિલ્હીના ભાજપના સંસદસભ્ય અને ફિલ્મ અભિનેતા મનોજ તિવારીએ યમુના ઓથોરિટી પાસે યુપી સરકારને નોએડામાં ફિલ્મ સિટી બનાવવાનો પ્રસ્તાવ આપવા કહ્યું છે કે જો નોએડામાં ફિલ્મ સિટી બને તો એનાથી ઘણો વિકાસ થાય. બે અલગ-અલગ ગ્રુપો સોશિયલ મિડિયા પર એકમેક સામે બાથ ભીડી રહ્યા છે. ફિલ્મ સિટી બનશે તો ત્યાં બધા પ્રકારની સુવિધા હોય. પછી એ રેકોર્ડિંગની હોય અથવા એડિટિંગની હોય. આનાથી મુંબઈ જેવી ફિલ્મ સિટી યુપીમાં થઈ જશે.
કંગના રણોતે પ્રતિક્રિયા આપી

અભિનેત્રી કંગના રણોતે આ વાત ટ્વીટ કરતાં કહ્યું હતું કે હું યોગી આદિત્યનાથની આ ઘોષણાની સરાહના કરું છું. અમને ફિલ્મ ઉદ્યોગમાં કેટલાય સુધારાઓની આવશ્યક્તા છે. સૌથી પહેલાં અમને એક મોટા ફિલ્મ ઉદ્યોગની આવશ્યકતા છે.

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આપી પ્રતિક્રિયા

મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે વિડિયો જારી કરીને કહ્યું હતું કે હું યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો અભિનંદન આપું છું, કેમ કે તેમણે ફિલ્મ સિટી બનાવવાની માગ સ્વીકારી લીધી. કેટલાય અભિનેતાઓની ઇચ્છા હતી કે યુપીમાં એક ફિલ્મ સિટી બને અને એ સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. એનાથી કમસે કમ એક લાખ લોકોને રોજગારી મળશે.

અનુપ જલોટાએ પણ પ્રતિક્રિયા આપી

ભજન ગાયક અનુપ જલોટાએ વિડિયો જારી કરીને કહ્યું હતું કે યોગીજી ધન્યવાદ આપવા ઇચ્છું છું અને શુભેચ્છાઓ પણ આપવા ઇચ્છું છું કે તમે યુપીમાં ફિલ્મ સિટી બનાવવાનો નિર્ણય લીધો. ઉત્તર પ્રદેશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ યોગદાન આપ્યું છે.