ટ્રાફિક પોલીસે પકડ્યોઃ વિવેક ઓબેરોયે ભૂલ કબૂલ કરી

મુંબઈઃ માથા પર હેલ્મેટ અને મોઢા પર માસ્ક પહેર્યા વગર પોતાની નવી હાર્લે ડેવિડસન મોટરબાઈક પર નીકળેલા બોલીવૂડ હિરો વિવેક ઓબેરોયને મુંબઈ ટ્રાફિક પોલીસે એના નામનું ચલાન ફાડી એને રૂ. 500નો દંડ ફટકાર્યો છે. આ ઘટના ગત્ વેલેન્ટાઈન્સ ડેના રોજ બની હતી. ત્યારે વિવેક એની પત્ની પ્રિયંકાને પાછળ બેસાડીને બાઈક પર ફરવા નીકળ્યો હતો. વિવેકે પોતાનો એ વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. એ પછી ગયા શુક્રવારે સામાજિક કાર્યકર્તા ડો. બીનૂ વર્ગીસે મુંબઈ પોલીસને ટ્વિટર મારફત વિવેક વિશે ફરિયાદ કરી હતી. એને પગલે પોલીસે વિવેક સામે કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રાફિક પોલીસે વિવેકને આઈપીસીની કલમ – 188, 269, મોટર વેહિકલ એક્ટની કલમ 129, 177 તથા રોગચાળા (પેન્ડેમિક) એક્ટની જુદી જુદી કલમ હેઠળ કસુરવાર ગણાવી એને દંડ ફટકાર્યો હતો. વિવેકે હવે ટ્વીટ કરીને પોતાની સામે કરાયેલી કાર્યવાહી વિશે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એણે પોતાની ભૂલ કબૂલ કરતાં લખ્યું છે કે, ‘પ્યાર હમેં કિસ મોડ પર લે આયા. નીકળ્યાં હતાં હું અને મારી જાન અમારી નવી બાઈક પર, પણ હેલ્મેટ ન પહેરી હોવાને કારણે ફાટ્યું ચલાન. હેલ્મેટ વગર સફર કરો છો? મુંબઈ પોલીસ તમને પકડી લેશે. આભાર મુંબઈ પોલીસ મને એ વાતનો એહસાસ કરાવવા બદલ કે સુરક્ષા સૌથી વધારે મહત્ત્વની છે. સુરક્ષિત રહો. હેલ્મેટ અને માસ્ક પહેરો.’

Image courtesy: Wikimedia Commons